આ 21મી સદીનું નવું ભારત : મોદી

નવી દિલ્હી, તા.25 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુરૂવારે બપોરે ગ્રેટર નોઈડા ખાતે જેવરમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ખાતમુહૂર્ત કરતાં કહ્યું કે આ ર1મી સદીનું નવું ભારત છે. હવે યુપીને ગરીબી, કૌભાંડી કે ખંડણીખોર જેવા મેણાં સાંભળવા નહીં પડે. ઉત્તરપ્રદેશ વિધાનસભાની નજીક આવી રહેલી ચૂંટણી પહેલા એશિયાના સૌથી મોટા આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો શિલાન્યાસ રાજકીય રીતે મહત્ત્વનું પગલું માનવામાં આવે છે. પ્રસંગે મુખ્યમંત્રી યોગી, નાગરિક ઉડ્ડયન મંત્રી સિંધિયા વગેરે હાજર રહ્યા હતા. યુપીનું આ કુલ 9મું અને પાંચમું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ હશે. ખાતમુહૂર્ત બાદ વિશાળ જનસભાને સંબોધતાં વડાપ્રધાન મોદીએ કહ્યું કે એરપોર્ટના નિર્માણ વખતે રોજગારીની હજારો તકો ઉભી થાય છે. એરપોર્ટના યોગ્ય સંચાલન માટે પણ હજારો લોકોની જરૂર પડે છે. પશ્ચિમ યુપીના હજારો લોકોને આ એરપોર્ટ નવી રોજગારી આપશે. આ એરપોર્ટથી વ્યાપાર, કનેક્ટિવિટી અને ટૂરિઝમને પ્રોત્સાહન મળશે. નોઈડાથી માંડી મુંબઈ સુધીના શહેરો પશ્ચિમ યુપી સાથે જોડાશે. ગરીબ, મધ્યમ વર્ગ, ખેડૂત કે ઉદ્યોગકાર દરેકને આ પ્રોજેકટનો લાભ મળશે. મેરઠની સ્પોર્ટસ ઈન્ડસ્ટ્રી, મુરાદાબાદનું પિતળ અને અથાણાં, આગરાના ફૂટવેર જેવા ઉદ્યોગોને પ્રોત્સાહન મળશે. વડાપ્રધાને પૂર્વ સરકારો પર પ્રહાર કરતાં કહ્યંy કે અગાઉની સરકારોએ ઉત્તરપ્રદેશને અભાવ અને અંધકારમાં રાખ્યુ હતુ. રાજ્યને હંમેશા ખોટા સ્વપ્નો બતાવ્યા હતા. એ જ ઉત્તરપ્રદેશ આજે રાષ્ટ્રીય જ નહીં, આંતરરાષ્ટ્રીય છાપ છોડી રહ્યું છે. ર1મી સદીનું નવું ભારત આજે એક એકથી ચઢીયાતા ઈન્ફ્રાસ્ટ્રકચરનું નિર્માણ કરી રહ્યું છે. સારા રસ્તા, સારૂ રેલ નેટવર્ક, સારૂ એરપોર્ટ માત્ર ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેકટ નથી હોતા તે સમગ્ર ક્ષેત્રનો કાયાકલ્પ કરી નાખે છે. લોકોનું જીવન બદલી નાખે છે. નોઈડા એરપોર્ટ ઉત્તર ભારતનું લોજિસ્ટિક ગેટ વે બનશે.  આ પહેલા વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરી રપ નવે.ને ભારત અને યુપી માટે મહત્ત્વનો દિવસ ગણાવ્યો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer