કચ્છના પોણા ત્રણ લાખ કાર્ડધારકોને મળશે નિ:શુલ્ક અનાજ

ભુજ, તા. 25 : કેન્દ્ર સરકારે દરિદ્રનારાયણોના હિતમાં એક મહત્ત્વનો નિર્ણય લઇ વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજનાનો સમયગાળો માર્ચ-22 સુધી વધાર્યો છે ત્યારે સરકારના આ આદેશથી કચ્છના પોણા ત્રણ લાખ જેટલા કાર્ડધારનો વધુ ચાર માસ નિ:શુલ્ક અનાજ મળવાપાત્ર થશે.કચ્છની વાત કરીએ તો જિલ્લામાં સરકારી ચોપડે 674 દુકાનોમાં નોંધાયેલા સાડા પાંચ લાખ કાર્ડધારકોમાંથી વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ:શુલ્ક અનાજ વિતરણ જેમને મળવાપાત્ર થાય છે એવા એનએફએસએ અને અંત્યોદય કાર્ડધારકોની સંખ્યા પોણા ત્રણ લાખ જેટલી થવા જાય છે. આ તમામ કાર્ડધારકોને વડાપ્રધાન ગરીબ કલ્યાણ અન્ન યોજના હેઠળ નિ:શુલ્ક રીતે અનાજનો જથ્થો નિયત કરાયેલી માત્રામાં વિતરિત કરાયો છે.અગાઉ સરકારે દિવાળી સુધી આ યોજનાનો વ્યાપ વધાર્યો હતો પણ હવે દેશના વિવિધ રાજ્યોમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઇ માર્ચ-2022 સુધી નિ:શુલ્ક અનાજ વિતરણ કરવાનો નિર્ણય લેતાં કચ્છના પણ પોણા ત્રણ લાખ કાર્ડધારકોને તેનો મોટો લાભ મળશે.કેન્દ્ર સરકારના સૂચિત નિર્ણયના પગલે કચ્છના પુરવઠા વિભાગે પણ રાજ્ય સરકારમાંથી જે સૂચના મળે તે અંતર્ગત અનાજ વિતરણ કરવા માટેની વ્યવસ્થા ગોઠવવા માટેની તૈયારીઓ આદરી હોવાનું સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું. નોંધનીય છે કે કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ એનએફએસએ અને અંત્યોદય ઉપરાંત 9 લાખથી વધુ એપીએલ કાર્ડધારકોને પણ રાજ્ય સરકાર દ્વારા નિ:શુલ્ક અનાજ વિતરણ કરવામાં આવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer