ગ્રા.પં.ની ચૂંટણીમાં એકરારનામું આપવાનું રહેશે

ગ્રા.પં.ની ચૂંટણીમાં એકરારનામું આપવાનું રહેશે
ભુજ, તા. 25 : કચ્છમાં ડિસેમ્બર માસે ગ્રામ પંચાયતની ચૂંટણીઓ યોજાવાની છે ત્યારે ઉમેદવારીપત્રકો ભરવા અંગે કોંગ્રેસ દ્વારા સ્થાનિક ચૂંટણી તંત્ર પાસેથી માર્ગદર્શન લેવામાં આવ્યું હતું.ચૂંટણીની જાહેરાત બાદની  પ્રક્રિયા અંગે પૂર્વ જિલ્લા પંચાયત વિપક્ષી નેતા વી. કે. હુંબલ, જિલ્લા પ્રવકતા પી. સી. ગઢવી, મહામંત્રી રામદેવસિંહ જાડેજા, કાર્યાલયમંત્રી ધીરજ રૂપાણી, અંજલિ ગોર સહિતનું પ્રતિનિધિ મંડળ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી અધિકારી શ્રી બ્રહ્મભટ્ટને મળ્યું હતું.પૂર્વ વિપક્ષી નેતાએ જણાવ્યું હતું કે, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ઉમેદવારી ફોર્મમાં કયાંય સોગંદનામું કરવું જરૂરી નથી. ફોર્મ સાથે સંલગ્ન એકરારનામું કરવાનું રહે છે. સરકારી લેણા બાબતે સ્થાનિક ગ્રામ પંચાયતનાં જ લેણા લાગુ પડશે ઉપરાંત મુદત વીતે નોટિસ થયેલ હોય છતાં લેણા ન ભરનાર જ ગેરલાયક ઠરશે. શૌચાલયનાં દાખલાનાં કિસ્સામાં ઉમેદવાર જે મકાનમાં રહેતા હોય તે જ મકાનમાં શૌચાલય ધરાવે છે તેવો દાખલો લેવાનો રહેશે. ઉપરાંત સામાન્ય બેઠકનાં ઉમેદવારે જાતિનો દાખલો લેવાનો રહેતો નથી. ઉપરાંત ઓબીસી, અનુ. જાતિ તથા આદિજાતિ કેટેગરીની બેઠકો માટે જ જાતિનું પ્રમાણપત્ર મેળવવાનું રહેશે, ઉપરાંત તટસ્થ અને ન્યાયી ચૂંટણી પ્રક્રિયા માટે કોંગ્રેસી આગેવાનોએ સૂચનો કર્યા હતાં તેવું પ્રવકતા ગની કુંભારની યાદીમાં જણાવાયું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer