ભાજપની વણથંભી વિકાસ યાત્રા હજુ વેગ પકડશે

ભાજપની વણથંભી વિકાસ યાત્રા હજુ વેગ પકડશે
અંજાર, તા.25 : અહીં એ.પી.એમ.સી. હોલ ખાતે કચ્છ જિલ્લા ભાજપની કારોબારી બેઠક મળી હતી. જેમાં પક્ષના મોવડીઓએ અપેક્ષિત શ્રેણીના કાર્યકરો સાથે સંગઠનાત્મક બાબતો વિશે મનોમંથન કર્યું હતું અને વિવિધ વિષયો પર માર્ગદર્શન આપ્યું હતું. આ બેઠકમાં સંગઠન ક્ષેત્રે ઉત્તમ વ્યવસ્થાપનની સુગમતા અને સુદ્રઢતા માટે બહુસ્તરીય રણનીતિ પણ સુનિશ્ચિત કરવામાં આવી હતી.અધ્યક્ષીય ઉદ્બોધન કરતાં જિલ્લા અધ્યક્ષ કેશુભાઈ પટેલે પ્રદેશથી આવેલા સર્વે અગ્રણીઓ તેમજ ઉપસ્થિતોને આવકારી જણાવ્યું હતું કે, પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલના પીઢ માર્ગદર્શન અને કાર્યકર્તાઓના સંઘબળના આધારે જિલ્લા ભાજપ અવિરતપણે વિજયી રફતારથી આગળ વધી રહ્યું છે અને આવનારા દિવસોમાં પણ આ વણથંભી યાત્રા વધુ વેગવંતી બનશે. પ્રદેશ અધ્યક્ષના પેજ સમિતિના નવસારી મોડેલને કચ્છમાં સૌપ્રથમ વખત મજબૂતીથી અમલીકરણ કરીને કચ્છે રાજય સ્તરે ડંકો વગાડી દીધો હતો. પ્રથમ અને દ્વિતિય લોકડાઉન વખતે પક્ષ દ્વારા પ્રજા અને તંત્ર વચ્ચે સેતુરૂપ ભૂમિકાનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.  ત્યારબાદ પ્રદેશના ઠરાવનું વાંચન કરતાં ઉપાધ્યક્ષ રાહુલ ગોરે જણાવ્યું હતું કે, નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કોરોના સામે ભારતવર્ષના ઈતિહાસમાં આજ દિન સુધી કોઈ પણ મહામારી સામે રક્ષણ મળી શકયું નથી તે રીતે મળ્યું છે. સમગ્ર વિશ્વમાં 100 કરોડ લોકોનું રસીકરણ ફકત 278 દિવસોમાં થતાં વિશ્વ દંગ છે.જિલ્લાના ઠરાવનું વાંચન કરતા ઉપાધ્યક્ષ જયંતભાઈ માધાપરિયાએ રાજય સરકારને નર્મદાના નિરના વધારાના 1 મિલિયન એકર ફીટ પાણીના પ્રસ્તાવનો સૈધ્ધાંતિક સ્વીકાર તેમજ નર્મદા કેનાલી પરિપૂર્ણતા આડે આવતા તમામ વિધ્નો ઝડપભેર ઉકેલવાની દિશામાં હાથ ધરાયેલા કાર્યો બદલ અભિનંદન આપ્યા હતા.પ્રભારી મંત્રી કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ભાજપના એક હિસ્સા તરીકે આપણા સૌની મુખ્ય ફરજ બની રહે છે કે વિકાસયજ્ઞને સેવા અને પુરૂષાર્થરૂપી આહુતિઓ વડે પ્રજ્જવલ્લિત રાખીએ.પ્રદેશ મહામંત્રી અને સાંસદ વિનોદભાઈ ચાવડાએ સંગઠનને ભાજપનું હૈયું ગણાવી કાર્યકર્તાને કરોડરજ્જુ ગણાવી હતી. તેમણે પક્ષને ઉચ્ચ રાષ્ટ્રવાદી વિચારધારા પ્રેરિત સંસ્થા ગણાવી અંત્યોદય સુધી લઈ જવામાં કૃતશ્ચિયી છે.ત્યારબાદ કચ્છના પ્રભારી અને પ્રદેશ ઉપાધ્યક્ષ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજયની સરકારો અવિરામપણે લોકોની અપેક્ષાઓ અને જરૂરિયાતોને સમજીને કાર્યરત છે. પ્રભારી હિતેશભાઈ ચૌધરીએ કચ્છના કાર્યકરની સેવાઓને બિરદાવી હતી.જિલ્લા મહામંત્રી અનિરૂધ્ધભાઈ દવેએ આગામી કાર્યક્રમોની વિસ્તારપૂર્વક માહિતી આપી હતી. પક્ષે ગુમાવેલા દિવંગત કાર્યકરો અને સ્વજનોને શ્રધ્ધાંજલિ અર્પણ કરતો શોક ઠરાવ ઉપાધ્યક્ષ ભરતભાઈ શાહે રજુ કર્યો હતો. આ કારોબારી બેઠકમાં જિલ્લા પંચાયત અધ્યક્ષા પારૂલબેન કારા, ધારાસભ્યશ્રીઓ વાસણભાઈ આહિર, વિરેન્દ્રસિંહ જાડેજા, માલતીબેન મહેશ્વરી, પ્રદ્યુમનસિંહ જાડેજા સહીત અપેક્ષિત શ્રેણીના કાર્યકરો હાજર રહ્યા હતા. સંચાલન મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલે કર્યું હતું. આભારવિધિ અંજાર તાલુકા ભાજપ પ્રમુખ શંભુભાઈ આહિરે કરી હતી.અંજાર એ.પી.એમ.સી. હોલમાં યોજાયેલ બેઠકમાં આયોજન અને વ્યવસ્થામાં જિલ્લા ભાજપ મહામંત્રી વલ્લમજીભાઈ હુંબલનો સહયોગ સાંપડયો હતો. મંત્રી વસંતભાઈ કોડરાણી, શહેર પ્રમુખ હેમંત શાહ, કાનજીભાઈ આિ'ર, ભુમિતભાઈ વાઢેર, અશ્વિનભાઈ સોરઠીયા, સંજય દાવડા સહીત સહયોગી બન્યા હોવાનું કચ્છ જિલ્લા ભાજપ મીડિયા ઈન્ચાર્જ સાત્વિકદાન ગઢવીની યાદીમાં જણાવાયું હતુ.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer