આજે ગાંધીનગરમાં ગતિશક્તિ અંગે કાર્યશાળા

ગાંધીધામ, તા. 25 : સમગ્ર દેશમાં વિકાસનો માસ્ટર પ્લાન બનાવીને એક સર્વાંગી પ્રયાસ અર્થે વડાપ્રધાન ગતિશક્તિ યોજના 2021 જાહેર થઇ છે. તે અંતર્ગત રાષ્ટ્રીય જળમાર્ગ, બંદરો અને જહાજી મંત્રાલય તેમજ કંડલાના દીનદયાળ પોર્ટ ટ્રસ્ટના યજમાન પદે આવતીકાલે ગાંધીનગરમાં એક કાર્યશાળા અને પરિષદનું આયોજન કરાયું છે. જેમાં ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા કેન્દ્રીય શિપીંગ મંત્રી સર્બાનંદ સોનોવાલ વિશેષ ઉપસ્થિત રહેશે.મહાત્મા મંદિર ખાતે આયોજિત આ કાર્યશાળા-પરિષદમાં દેશના પશ્ચિમ ક્ષેત્રની વિકાસ યોજનાઓને સમાવી લેવાશે. ગતિશક્તિ યોજના મુખ્યત્વે લોજીસ્ટીક ખર્ચ ઘટાડીને સપ્લાય ચેઇનમાં સુધારો કરી ભારતીય બનાવટોને વધુ સ્પર્ધાત્મક બનાવવા ઉપર કેન્દ્રીત છે.દેશના તમામ મંત્રાલયો હવે જી.આઇ.એસ.ના માધ્યમથી ક્રોસ સેકટરલ યોજનાઓની પ્રગતિ, સમીક્ષા અને દેખરેખ રાખવા સક્ષમ હશે. ઉપગ્રહ દ્વારા સમયાંતરે યોજનાની પ્રગતિની વિગતો અપાશે. જેથી સમગ્ર યોજનાની કામગીરીને સરળતાથી આગળ વધારી શકાશે. વિવિધ મંત્રાલયો મોટેભાગે સમન્વયના અભાવે યોજનાઓના અમલીકરણમાં ગતિ લાવી શકતાં નથી. આ વિલંબ અટકાવવાનું ગતિશક્તિ યોજનાનું લક્ષ્ય છે. તેવું એક સત્તાવાર યાદીમાં જણાવાયું છે. અલબત્ત આ કાર્યક્રમની વિગતો છેલ્લી ઘડી સુધી ફેરફાર થતો રહેતાં પૂરી પાડી શકાઇ નથી. આવતીકાલે યોજાનારા વર્કશોપમાં આસપાસના પાંચેક રાજ્યોના પ્રતિનિધિ ભાગ લે તેવી શકયતા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer