વારંવાર કોન્ટ્રાક્ટમાં જવા, નોકરીમાંથી છૂટા કરવાની ચીમકીથી કર્મીઓ ખફા

ભુજ, તા. 24 : શહેર સુધરાઈની ગટર શાખાના કર્મચારીઓને વારંવાર કોન્ટ્રાકટમાં જવા તેમજ નોકરીમાંથી છૂટા કરવા ધમકી તથા પગારમાં અન્યાય સહિતના મુદ્દે 23 કર્મીઓ દ્વારા ભુજ સુધરાઈના મુખ્ય અધિકારીને રજૂઆત કરી જો ન્યાય નહીં મળે તો કલેકટર તથા પોલીસ અધિકારીને ફરિયાદ કરવા ચિમકી આપી હતી.આ અંગે કરાયેલી રજૂઆતમાં જણાવ્યા મુજબ ઉપરોકત કર્મીઓ 10-1પ વર્ષથી ગટરની કપરી કામગીરી બજાવી રહ્યા છે. છેલ્લા બે વર્ષથી નવા આવતા મુખ્ય અધિકારીઓ દ્વારા કોન્ટ્રાકટમાં જવા ઓર્ડર કરાય છે અને તેમ ન કરે તો નોકરીમાંથી છૂટા કરવા મૌખિક કહેવામાં આવે છે.હાલમાં એકોર્ડ વોટર ટેન્ક એન્ડ ઈન્ફ્રાસ્ટ્રકચરને ભુજની ગટરની કામગીરી સોંપાઈ છે પરંતુ હજુ પણ ગટરના પ્રશ્નો સુધરાઈના કર્મીઓ દ્વારા જ હલ કરાય છે જેનો જશ કંપનીના ફાળે જતો હોવાનો આક્ષેપ પણ કરાયો હતો.પગારમાં અન્યાય મુદ્દે જણાવ્યું કે, હાલમાં કપાત થઈને 7873 રૂપિયા મળે છે જેમાં પરિવારનો નિભાવ મુશ્કેલ છે. અન્ય શાખાના કર્મીઓનો પગાર વધારાય છે પણ ગટર શાખાને અન્યાય કરાય છે. ઓછા પગાર મુદ્દે એક કર્મીએ ગળે ફાંસો ખાઈ લીધો હોવાનો બનાવ પણ ટાંક્યો હતો. ભરતી પ્રક્રિયામાં પણ અન્ય શાખાના કર્મીઓને લઘુતમ વેતન મુજબ 16224માં ભરતી કરાયા.વળી, કચેરી દ્વારા ગટરની કામગીરીના પૂરતા સાધનો પણ અપાતા ન હોવાનું ઉમેરી જો ન્યાય નહીં મળે તો નાછૂટકે કલેકટર તેમજ પોલીસ વડાને ફરિયાદ કરવા ચિમકી રજૂઆતમાં આપી હતી. 

© 2023 Saurashtra Trust