નકલી નોટો ધાબડી છેતરપિંડી કરવા નીકળેલા ત્રણ ઇસમ કાયદાની ઝપટે

નકલી નોટો ધાબડી છેતરપિંડી કરવા નીકળેલા ત્રણ ઇસમ કાયદાની ઝપટે
ભુજ, તા. 22 : અસલી ચલણી નોટોનાં સ્થાને ઉપર-નીચે અસલી અને બાકી નકલી નોટો ગોઠવીને શિકાર કરવાની ફિરાકમાં રહેલા ભુજ અને જુણા (ખાવડા)ના ત્રણ ઇસમને પોલીસે ઝડપી પાડી તેમની સઘન પૂછતાછ હાથ ધરી છે.આ શહેરની ભાગોળે માધાપર હાઇવે ઉપર નળવાળા ચકરાવા નજીક ભુજનાં સરપટ નાકાં શેખ ફળિયામાં રહેતા રમજાનશા કાસમશા શેખ અને અલીશા કરીમશા શેખ તથા જુણા (ખાવડા)ના ઇબ્રાહીમ અલીમામદ સમાને આ કિસ્સામાં કાર સાથે ઝડપી પડાયા હતા. તેમની પાસેથી ચિલ્ડ્રન બેન્ક ઓફ ઇન્ડિયા લખેલી રમકડાંની નોટનાં 86 બંડલ તથા રૂા. 1,99,200ની અસલી ચલણી નોટો તથા રૂા. સાડા ચાર લાખની સ્વિફ્ટ કાર અને ત્રણ મોબાઇલ ફોન કબ્જે કરાયા હતા. કુલ રૂા. 6.81 લાખની માલમત્તા કબ્જે કરાઇ હતી.પોલીસ દળનાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે હેડ કોન્સ્ટેબલ ચેતનાસિંહ જાડેજાની બાતમીના આધારે કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર. ઝાલાની રાહબરીમાં આ કામગીરી કરી હતી. આરોપીઓ કારમાં જઇ રહ્યા હતા ત્યારે તેમને પકડયા હતા અને મોટી અસલી-નકલી માલમત્તા તેમની પાસેથી કબ્જે કરાઇ હતી. નોટોનાં બંડલમાં ઉપર અને નીચે સાચી ચલણી નોટો અને વચ્ચેના ભાગે રમકડાંની નકલી નોટો રાખી આ ટોળકી છેતરપિંડી કરતી હોવાની વિગતો પોલીસમાં લખાવાઇ છે. ત્રણેય આરોપી સામે માધાપર પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવાયો હતો. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer