નલિયામાં રાહદારીઓને ચાલવા જગ્યા નથી મળતી

નલિયામાં રાહદારીઓને ચાલવા જગ્યા નથી મળતી
નલિયા, તા. 22 : અબડાસા તાલુકાના મુખ્ય મથક નલિયામાં ટ્રાફિક સમસ્યા વકરતાં રાહદારીઓને જાહેર માર્ગ પર ચાલવાની જગ્યા પણ મળતી નથી તેમાંય દિવાળી તહેવારો નજીક આવતાં બહાર ગામ, સ્થાનિક લોકો ખરીદી માટે નીકળી પડતાં ટ્રાફિક સમસ્યા જટિલ બની છે. એટલું અપૂરતું હોય તેમ ટ્રાફિકના નિયમન માટે જાહેર સ્થળે કોઇ પોલીસકર્મીની વ્યવસ્થા ન ગોઠવાતાં લોકો નિ:સહાય બન્યા છે.નલિયા ખાતે સવારે 8 વાગ્યાથી દ્વિચક્રી વાહનો અને ફોરવ્હીલ વાહનોની અવરજવર વધુ હોય છે. ગામડામાંથી આવતા આવા વાહનો હંકારનારને ટ્રાફિકનું પૂરતું જ્ઞાન હોતું નથી. બસ સ્ટેશનથી બજાર તરફ 12 ફૂટનો માર્ગ છે. તેની બંને બાજુ રેંકડી, કેબિનોના ખડકલા ઉપરાંત દુકાનદારનું વાહન પણ દુકાનની બહાર ઊભું રખાય છે. ગ્રાહકની મોટર સાઇકલ પણ દુકાનની સામે જ પાર્ક કરાતી હોવાથી આવા સમયે કોઇને રસ્તા પરથી પસાર થવું હોય તો ચાલવાની જગ્યા  મળતી નથી.અધૂરામાં પૂરું ગ્રાહકોને આકર્ષવા ઘણા બધા દુકાનદારો દુકાનથી બહાર પોતાની હદ-સનદ ન હોય તેમ તેવા સ્થળે માલ રાખવા જેવા ઘણા કારણોસર નલિયાની ટ્રાફિક સમસ્યાએ રાહદારીઓ માટે જાણે આફત સર્જી હોય તેવું જાણકાર વર્તુળો જણાવી રહ્યા છે.આમ તો ટ્રાફિક નિયંત્રણ માટે કયારેક (ભાગ્યે જ) એકાદ-બે પોલીસ કે જી.આર.ડી.ના જવાનોને ઊભા રખાય છે. આવા કર્મચારીઓ પોતાની ફરજ અદા કરવાને બદલે બેસી જઇ ચાની ચુસ્કીમાં મસ્ત હોય છે. એ ખરું છે કે, ટ્રાફિક નિયમનની જવાબદારી પોલીસની છે.તાલુકાના આ  મુખ્ય મથકે સવારે 8 વાગ્યાથી ગામડામાંથી બાઇકો પર લોકોનું આગમન થાય છે જેની આવજા બપોરે 2 વાગ્યા સુધી તો એટલી હોય છે કે રાહદારીનું ધ્યાન ન હોય તો ગમે તે ગામમાંથી નીકળતી ગાડીઓ ગમે ત્યારે ગમે તેને હડફેટમાં લેતી હોય છે. પરિણામે રાહદારી અને વાહનચાલક વચ્ચે ઘર્ષણ થાય છે. આવા દૃશ્યો રોજિંદા બની ગયા છે. આમ તો તાલુકા મથકે સબડિવિઝનલ મેજિસ્ટ્રેટ, એક્ઝિકયુટિવ મેજિસ્ટ્રેટ, સર્કલ પોલીસ ઇન્સ. ફોજદાર સાથેનું પોલીસથાણું અસ્તિત્વમાં છે, પણ સરકારી જવાબદાર આ વર્ગ પોતાની જવાબદારી ચૂકી જઇ ટ્રાફિક મુદ્દે કંઇ માથું મારતા નથી, અધૂરામાં પૂરું હોય તેમ બસ સ્ટેશન નાકાથી બજાર તરફ સામસામે ચાર ચક્રિય વાહન આવતા હોય તો બંને બાજુ  મેળા જેવો માહોલ જામે છે. પોલીસ સ્ટેશનમાં કયારેક લોકદરબાર યોજાય અને લોકોની ફરિયાદ પણ સંભળાય છે, પણ આ બધું સ્મશાની વૈરાગ્ય જેવું હોય, બાદમાં કંઇ થતું નથી. સાચા અર્થમાં કહીએ તો ટ્રાફિક મુદ્દે તો લોકોનો તંત્ર ઉપરથી ભરોસો ઊઠી ગયો છે. એસ.ટી. નાકા પાસે ગ્રા.પં. ચોક પાસે બે-બે પોલીસ કર્મી કે જી.આર.ડી. કે હોમગાર્ડના જવાનો ઊભા રખાય તો અંશત: ટ્રાફિક સમસ્યા સુલઝી શકે તેમ હોવાનું મનાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer