અડગ નિશ્ચયીને હિમાલયે ન નડે : ચોબારીનો યુવાન બન્યો પોલીસ અધિકારી

અડગ નિશ્ચયીને હિમાલયે ન નડે : ચોબારીનો યુવાન બન્યો પોલીસ અધિકારી
કોડાય (તા. માંડવી), તા. 22 : અંતરિયાળ કચ્છ જિલ્લાના ભચાઉના ચોબારી જેવા રણને અડીને આવેલા નાના ગામના ખેડૂત પરિવારમાંથી આવતો યુવાન મહેશ વરચંદ આહીર જી.પી.એસ.સી. પરીક્ષા પાસ કરી પોલીસ ઈન્સ્પેક્ટર તરીકે નિયુક્ત થતાં ગામ અને પંથકમાં ખુશીની લાગણી વ્યાપી છે.ઘર પરિવારની વિકટ પરિસ્થિતિને જ પ્રેરણાસ્રોત બનાવી નાની ઉંમરે પિતાની છત્રછાયા ગુમાવનારા પરિવારમાં તેમની માતાએ બાળકોને ઉચ્ચ શિક્ષણ અપાવી પગભર બનાવ્યા જે અન્યો માટે પણ પ્રેરણાસ્રોત છે. મોટા ભાઈઓ સવજીભાઈ અને વિષ્ણુભાઈએ બે નાના ભાઈઓ ભણી શકે તે માટે પોતાનો અભ્યાસ છોડી ખેતીમાં ઝંપલાવ્યું. તેઓ પણ ખારેક અને દાડમની સફળ ખેતી કરી સફળ ખેડૂત તરીકે ઉભરી આવ્યા છે. મહેશ આહીરના મોટા ભાઈ ડો. હમીર તબીબી અભ્યાસ પૂર્ણ કરી અમદાવાદ સ્ટર્લિંગ હોસ્પિટલ ખાતે ફરજ બજાવી રહ્યા છે. મહેશભાઈની વાત કરીએ તો તેઓ તેમના નામની પાછળ તેમની માતા અમીબેનનું નામ લગાડી માતાને અનેરું સન્માન આપે છે. મહેશભાઈની બહેનો જયશ્રીબેન અને રૂડીબેને ઉચ્ચ શિક્ષણ મેળવ્યું છે. મહેશભાઈ વરચંદ આહીરે તેમના મિત્રો મયૂર ગઢવી અને સવરાજ ગઢવી સાથે પોલીસ ખાતામાં જોડાવવા રાજકોટ પી.એસ.આઈ. ગોપાલભાઈ ગઢવીના માર્ગદર્શન હેઠળ મહેનત શરૂ કરી હતી. ત્રણે મિત્રોએ પરીક્ષા પ્રથમ પ્રયત્ને જ પાસ કરી હતી અને ત્રણે મિત્રો કરાઈ પોલીસ એકેડેમી ગાંધીનગર ખાતે તાલીમ લઈ રહ્યા છે. મહેશભાઈએ સમાજ અને વંચિત વર્ગના લોકોની સેવાનો અભિગમ હોવાનું અને દૃઢ નિશ્ચિયથી સફળતા ચોક્કસ પ્રાપ્ત થાય છે તેમ કચ્છમિત્ર સાથે વાતચીત કરતાં કહ્યું હતું.

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer