દિવાળીપર્વને ધ્યાને લઇ કર્મીઓને એડવાન્સ પગાર

ભુજ, તા. 22 : આગામી દિવાળીના તહેવારોને અનુલક્ષીને ભુજ નગરપાલિકા દ્વારા કર્મચારીઓને એડવાન્સ પગાર ચૂકવવામાં આવશે તેમજ શહેરની સુખાકારી માટે પણ કામો આગળ ધપી રહ્યા છે. આ અંગે વિગત આપતાં ભુજ નગરપાલિકાના અધ્યક્ષ ઘનશ્યામભાઇ ઠક્કરે જણાવ્યું કે, શાસનનો દોર સંભાળ્યા બાદ નગરપાલિકાનાં સ્વભંડોળને મજબૂત કરવા માટે ઓવર ટાઇમ તેમજ વાહનો ભાડે રાખવાનું બંધ કર્યું. ઢોરવાડે નીરણનો તમામ ખર્ચ સમાજના શ્રેષ્ઠીઓની મદદથી કરાય છે. તમામ જાહેરાતો, હોર્ડિંગ્સ પર શુભેચ્છાઓનો ખર્ચ પણ નગરપાલિકા પર નખાયો નથી. કચેરી દ્વારા થતી તમામ ખરીદી પર ચાંપતી નજર રાખી ખરીદીનું ભારણ ઘટાડેલું છે. આવનારા દિવસોની અંદર આ પગલાંથી નગરપાલિકાનું સ્વભંડોળ મજબૂત થશે અને ભુજ શહેરના વિકાસમાં ખૂટતી કડીને મદદરૂપ થશે. કોવિડને કારણે નગરપાલિકાની ચૂંટણી માર્ચમાં થતાં કારોબારીની રચના જુલાઇમાં થઇ, જેને કારણે વહીવટી પ્રક્રિયામાં વિલંબ થયો છે. સફાઇકામોનું ટેન્ડર અગાઉ ખોલાયું હતું, પરંતુ આવેલા ઓનલાઇન ભાવો સુધરાઇનાં સ્વભંડોળને જોતાં શક્ય ના હોઇ રિટેન્ડર કરાયાં, જેમાં હરિઓમ કન્સ્ટ્રક્શન (અમરેલી)ને વર્કઓર્ડર અપાયો, પરંતુ તેમણે કામ કરવામાં અસમર્થતા દર્શાવી, પરંતુ જો કોન્ટ્રાક્ટર સાત દિ'માં કામ શરૂ કરે અથવા તેમણે ભરેલી ડિપોઝિટ જપ્ત કરાશે તે અંગે નોટિસ પાઠવાઇ છે. ભુજમાં ગટરની સમસ્યાનાં નિરાકરણ માટે આધુનિક મશિનરી ધરાવતી એજન્સીની નિમણૂક કરી તેમજ પમ્પિંગ સ્ટેશનનું પણ કામ આપી દેવાયું છે. શહેરની સુખાકારીમાં સમગ્ર ટીમ ખભેખભા મિલાવી કામ કરી રહી હોવાનું શ્રી ઠક્કરે ઉમેર્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer