અંતરજાળમાં ઘરમાંથી 86 હજારના દાગીના ચોરાયા

ગાંધીધામ, તા. 22 : તાલુકાના અંતરજાળમાં આવેલી એક સોસાયટીમાં બંધ મકાનને તસ્કરોએ હડફેટમાં લીધું હતું. આ મકાનમાંથી રૂા. 86,000ના દાગીનાની ચોરી કરી તસ્કરો પલાયન થઇ  ગયા હતા, બીજી બાજુ લખપત તાલુકાના કોટડા મઢમાં દુકાનની બારી તોડી તેમાંથી રોકડા રૂા. 4070ની ચોરી થઇ હતી. વધુ એક ચોરીનો બનાવ ગાંધીધામમાં બન્યો હતો. બી.એસ.એન.એલ.ની કારમાંથી નિશાચરો રૂા. 3200ની બેટરી ચોરી ગયા હતા.અંતરજાળના વિનાયકનગરના મકાન નંબર 22-23માં તસ્કરોએ હાથ માર્યો હતો. આ મકાનમાં રહેતા અને ખાનગી નોકરી કરતા રાજકમલ તિરૂપતિરાવ ઉર્ફ નિરીક્ષણરાવ ગોસાલાએ ચોરીના આ બનાવ અંગે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદી અને તેમના પત્ની પોતાના વતન આંધ્રપ્રદેશ ગયા હતા ત્યારે તા. 10-10ના બપોરે ચાર  વાગ્યાથી તા. 11-10ના સવારે 8 વાગ્યા દરમ્યાન તસ્કરોએ આ કળા કરી હતી. પોલીસે વિગતો આપતાં જણાવ્યું હતું કે, આ ફરિયાદીના બંધ મકાનનાં તાળાં તોડી તસ્કરો અંદર ઘૂસ્યા હતા અને અંદર સરસામાન વેરવિખેર કરી નાખ્યો હતો. કબાટ તોડી તેમાંથી રૂા 86,000ના સોના, ચાંદીના દાગીનાની તફડંચી કરી નાસી ગયા હતા. ચોરીના આ બનાવની જાણ થતાં ફરિયાદી પરત ઘરે આવ્યા હતા, પરંતુ તેમના પત્ની આંધ્રપ્રદેશ હોવાથી ઘરમાં કેટલાની ચોરી થઇ તે બહાર આવ્યું નહોતું તેવામાં આ ફયાદીના પત્ની ઘરે આવ્યા બાદ ગઇકાલે રાત્રે ચોરીનો આ બનાવ પોલીસના ચોપડે ચડયો હતો. ચોરીનો એક બનાવ કોટડા મઢના  મફતનગરમાં બન્યો હતો. અહીં આવેલી કરિયાણાની એક દુકાનની બારી તોડી નિશાચરો અંદર ઘૂસ્યા હતા અને દુકાનના ગલ્લાનું તોળું તોડી તેમાંથી રોકડ રૂા. 4070ની ચોરી કરી નાસી ગયા હતા. આ બનાવ અંગે દુકાનદાર અરજણધરમશી ભાનુશાળીએ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.વધુ એકચોરીનો બનાવ જી.આઇ.ડી.સીમાં આવેલી બી.એસ.એન.એલ. કચેરીના પ્રાંગણમાં બન્યો હતો. આ પ્રાંગણમાં રાખેલી કાર નંબર જી.જે. 12-જી.એ. 1191ના કાચ તોડી નિશાચરોએ કરામત કરી હતી. આ વાહનમાંથી રૂા. 3200ની બેટરીની તફડંચી કરી તસ્કરો પલાયન થઇ ગયા હતા. જિલ્લામાં એક બાજુ પોલીસની શોધનની કામગીરી સરવાળે નબળી રહી છે, બીજી બાજુ તસ્કરો ઉપરાઉપરી ચોરીના બનાવોને અંજામ આપી રહ્યા છે. જેના કારણે લોકોમાં ભયની સાથે રોષની લાગણી પ્રસરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer