ઘાસથી ભરાયેલી ગાગોદર પેટા કેનાલનું કામ ધીમી ગતિએ શરૂ

ઘાસથી ભરાયેલી ગાગોદર પેટા કેનાલનું કામ ધીમી ગતિએ શરૂ
રાપર, તા. 21 : વરસાદની ખેંચના કારણે ખરીફ પાકની સિઝન વખતે ગાગોદર પેટા કેનાલમાં  ખેડૂતોના વ્યાપક વ્યાયામ બાદ પાણી છોડવામાં આવ્યું હતું. હાલ પણ મુખ્ય કેનાલમાં પાણી છોડવામાં આવ્યું છે,પરંતુ 57 કિલોમીટરની  આ કેનાલની જાળવણીના અભાવે સર્જાયેલી હાલતથી પાણીનો જથ્થો છેવાડા સુધી પહોંચશે કે કેમ તે સવાલ છે. આ મામલે સત્તાધારી પક્ષના સંગઠનના પદાધિકારી દ્વારા ગાંધીનગર સુધી  ધક્કા ખાધા બાદ કેનાલની સાફ સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે પરંતુ માત્ર એક જ જેસીબીથી. જો આ જ ગતિએ કામગીરી થશે તો આ કેનાલમાંથી પિયત મેળવતા ખેડૂતો રવીપાકનું પણ વાવેતર નહી કરી શકે તેવી સ્થિતિ હોવાના અહેવાલો સાંપડી રહ્યા છે. ગાગોદર પેટા કેનાલ હેઠળ નાંદેલા વાંઢ,ખાંડેક, માંજુવાસ અને ફતેહગઢનો થોડો વિસ્તાર, મોડા, સણવા, આડેસર, માખેલ,અમરાપર, ગાગોદર, કુંભારીયા, પલાંસવા, ઘાણીથર, માણાબા,  સહિતના ગામોના ખેડૂતો સિંચાઈના પાણી મેળવી ખેતી કરી રહ્યા છે.છેલ્લા બે વર્ષથી57 કિલોમીટર લાંબી આ કેનાલની જાળવણી પ્રત્યે નર્મદા નિગમની બેદરકારીના કારણે કેનાલની હાલત ધણીધોરી વિનાની હોવાનો આક્ષેપ રાપર તાલુકા ભાજપના ઉપપ્રમુખ રામજીભાઈ સોલંકીએ કર્યો હતો. તેમણેકહ્યું હતું કે કેનાલમાં એટલી હદે ઘાસ વધી ગયું છે કે કેનાલથી પણ બહાર નીકળી ગયું છે. આવી પરિસ્થિતિમાં જો  પૂરતા  દબાણથી પાણી છોડવામાં આવે તો કેનાલ તૂટવાની દહેશત રહે છે અને જો હળવા દબાણથી પાણી આપે તો આગળ  કયાંય પહોંચે નહીં. તેમણે આક્રોશ સાથે જણાવ્યું હતું કે આ મામલે બે મહિનાથી  સતત રજૂઆતો કરી હતી. એ.ટી.વી.ટી.માં પણ પ્રશ્ન ઉઠાવાયો ત્યારે અઠવાડિયાની મહેતલ અપાઈ હતી પરંતુ ત્યાર બાદ પણ કાંઈ થયું ન હતું. આ મામલે ગાંધીનગર ખાતે   અધિકારીઓ સમક્ષ રૂબરૂ મળીને રજૂઆત કરાયા બાદ  આજથી માત્ર એક જે.સી.બી મશીનથી  સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી છે. કેનાલની સફાઈનો કોન્ટ્રેકટ રાખતી કંપની ભીમજી વેલજી સોરઠિયા એન્ડ કંપની દ્વારા કોઈ કામગીરી પણ કરાઈ ન હોવા છતાંય નિગમ દ્વારા કોઈ પગલાં લેવાયાં ન હોવાનો આક્ષેપ રામજીભાઈએ કર્યો હતો. હાલ કચ્છ શાખા નહેરમાં પાણી છોડવામાં આવ્યું છે. વરસાદના અભાવે ખરીફ પાકની મોસમ પણ નિષ્ફળ ગઈ હાલ ખેતર કોરા પડયાં છે અને આગામી સમયમાં  જ રવીપાકના વાવેતર માટે પાણીની જરૂરિયાત પડશે. જો  એક જ જેસીબીથી  કામ કરાશે તો 57 કિલોમીટર લાંબી કેનાલની સફાઈ થવામાં જ રવી પાક લેવાની સિઝન પણ પૂરી થઈ જશે વળી હાલ સફાઈ કરવામાં આવી છે ત્યાં ઘાસ એક તરફ કેનાલની અંદર જ રાખી દેવાયું છે. ખેડૂતોના હિતમાં યુધ્ધના ધોરણે સફાઈની કામગીરી કરવામાં આવે નહીં તો ખેડૂતોની હાલત ભારે કફોડી બની જશે. આ ઉપરાંત મોડા પાસે કેનાલમાં માટીનો જથ્થો પણ ખડકાયેલો છે.  કેટલાક લોકો દ્વારા  માટી નાખી અવરોધ કરાતો હોવાની પણ રાવ  જાણકારો કરી રહ્યા છે. આ બાબતને અટકાવવા માટે નિગમ દ્વારા કોઈ કાર્યવાહી કરાતી ન હોવાનો આક્ષેપ જાણકારો કરી રહ્યા છે.  

© 2022 Saurashtra Trust