અંજારમાં 31 કેબિન હટાવી જમીન દબાણમુક્ત કરાવાઈ

અંજારમાં 31 કેબિન હટાવી જમીન દબાણમુક્ત કરાવાઈ
અંજાર, તા. ર1 : અંજાર શહેરમાં છેલ્લા લાંબા સમયથી દબાણ પ્રવૃત્તિ ચાલતી હોવાથી મોકાની જમીનો ઉપર કાચી-પાકી કેબિનો ખડકી દેવાઈ છે ત્યારે નગરપાલિકા તંત્ર પણ કડક બનીને કામગીરી કરી રહ્યું છે. આજે શહેરના ગંગાનાકા ઓકટ્રોય ચોકીવાળા વિસ્તારથી માંડી કળશ સર્કલ સુધી બિનઅધિકૃત કેબિનોને હટાવવામાં આવી હતી. નગરપાલિકાની ટીમોએ 31 કેબિનોને દૂર કરી જમીન ખાલી કરાવી હતી. નગરપાલિકા દ્વારા ગંગાનાકા ઓકટ્રોય ચોકીથી કળશ સર્કલ સુધી બિનઅધિકૃત રીતે થયેલાં દબાણ દૂર કરવાની કામગીરી કરવામાં આવી હતી, જેમાં નાની-મોટી 31 કેબિનોના દબાણ દૂર કરી જમીન ખુલ્લી કરવામાં આવી હતી. દૂર કરાયેલ દબાણોવાળી જગ્યામાં ફરીથી દબાણ કરવામાં આવશે તો દબાણકર્તા વિરુદ્ધ લેન્ડ ગ્રેબિંગ કાયદા હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ચેતવણી પણ આપવામાં આવી હતી. ચીફ ઓફિસર જિગર પટેલની દેખરેખ હેઠળ સતત સવારથી કામગીરી કરવામાં આવી હતી. જેસીબી, ટ્રેકટર, ટ્રોલી સહિત જાગીર ઈન્સ્પેકટર ભરત ઠક્કર, બિન્દુલ અંતાણી, અનસ ખત્રી, રજાક બાયડ, તેજપાલ લોચાણી, જિતેન્દ્ર જોશી અને વિપુલ ઓઝાએ પોલીસ બંદોબસ્ત સાથે રાખી અને આ કામગીરી કરી હતી તેવું એક યાદીમાં જણાવાયું હતું.  

© 2022 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer