ઉમરસર ખાણમાં પેટા કોન્ટ્રાક્ટર તરફથી કામદારોનું શોષણ

ગાંધીધામ, તા. 13 : લખપત તાલુકામાં જીએમડીસી ઉમરસર ખાણ પરિસરમાં છેલ્લા એક વર્ષથી કામ કરતી પેટા કોન્ટ્રાક્ટર મોન્ટે કાર્લો કંપનીએ બીજી કંપનીને તેના કોઇપણ દસ્તાવેજી આધારો વગર પેટા કોન્ટ્રાક્ટ અપાતાં બીઆઇપીએલ કંપની દ્વારા કંપનીમાં કામ કરતા સ્થાનિક તથા અન્ય મજૂર કર્મચારીઓ ઉપર શારીરિક તેમજ માનસિક ત્રાસ તથા તેમનું શોષણ કરાતું હોવાની ફરિયાદ ઊઠી છે. છ મહિના પહેલાં બધા કર્મચારીઓ ભેગા મળીને જીએમડીસી મોન્ટે કાર્લો કંપની તથા બીઆઇપીએલ કંપનીના મેનેજમેન્ટને કર્મચારી મજૂરો ઉપર થઇ?રહેલા શોષણ બાબતે મૌખિક, લેખિક રજૂઆત કરી હતી. રજૂઆતમાં કર્મચારીઓ દ્વારા કંપનીમાં કર્મચારીઓ માટે પીવાનાં પાણીની સુવિધા, જમવાની સુવિધા, સફાઇયુકત વોસરૂમની સુવિધાઓ માટે જણાવાયું હતું છતાં કોઇ જવાબ મળ્યો નથી તેવું કચ્છ લોકલ મજદૂર સંગઠનના પ્રમુખ નાગશીભાઇ નોરિયાએ એક યાદીમાં જણાવ્યું હતું. કર્મચારીઓની કાયદેસરની માગણીનો કોઇપણ જાતનો લેખિત કે મૌખિક પ્રત્યુત્તર આપવામાં ન આવતાં બધા કર્મચારી મજૂરો ભેગા મળી કચ્છ લોકલ મજદૂર સંઘ દ્વારા કર્મચારીઓ ઉપર થઇ?રહેલા અત્યાચાર અને શોષણ બાબતે જીએમડીસી અને મે. મોન્ટે કાર્લો વિરુદ્ધ મજદૂર અદાલતમાં અરજી  દાખલ કરી અદાલતમાં કરેલ અરજીમાં કચ્છ લોકલ મજદૂર સંઘ દ્વારા 16 મુદ્દાઓની રજૂઆત કરી છે. જેની સુનાવણી માટે મજદૂર અદાલત દ્વારા તા. 6 સપ્ટેમ્બર મુકરર કરવામાં આવી, પરંતુ જે-તે તારીખે જીએમડીસી કે મોન્ટે કાર્લો કંપની કે તેમના કોઇ પ્રતિનિધિ અદાલત સમક્ષ હાજર રહ્યા નથી તેવું તેમણે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer