બન્નીના મહેસૂલી દરજ્જાની ગૂંચ ઉકેલવાની આશા જાગી

ભુજ, તા. 13 : ધારાસભ્ય ડો.નિમાબેન આચાર્યની વિધાનસભાના અધ્યક્ષપદે વરણી થતાં કચ્છમાં ગૌરવની લાગણી ફેલાઈ છે.તેમના મત વિસ્તારમાં આવતાં બન્ની વિસ્તારમાં પણ લોકોમાં ખુશી જોવા મળે છે.તેમની વરણી આ ગૌરવવંતા પદે થતાં બન્નીનો ગૂંચવાયેલો વહિવટી પ્રશ્ન હવે હલ થશે એવી આશા જાગી છે.ભુજ મત વિસ્તારમાં આવતાં બન્નીમાં મહેસુલી રાહે સેટલમેન્ટ થાય અને બન્નીવાસીઓને મૂળભૂત અધિકારો મળે તેવી આશા વ્યકત કરવામાં આવી રહી છે. બન્નીના આગેવાનો દ્વારા મહેસુલી દરજ્જાની વર્ષો પહેલા માંગ કરવામાં આવી હતી એટલું જ નહીં પંચાયતી રાજ આવ્યા બાદ 1971માં મહેસુલી રાહે માપણી પણ થઈ હતી. હાલમાં બન્નીનું ડિમાર્કેશન પણ થયું છે, ત્યારે જૂની માંગણી હવે સંતોષાય અને દાયકાઓના ઈંતેજારનો અંત હવે આવે તેવી આશા લોકો વ્યકત કરી રહ્યાં છે. અહીં ઉલ્લેખનીય છે રાજ્યના પ્રથમ મહિલા મુખ્યમંત્રી તરીકે આનંદીબેન પટેલે બન્નીને મહેસુલી દરજ્જાની  જાહેરાત કરી હતી, ત્યારે બન્નીના લોકોએ તેમની જાહેરાત સહર્ષ વધાવી હતી. હવે ડો.નીમાબેન આચાર્યના વિધાન સભા અધ્યક્ષ પદના કાર્યકાળમાં બન્નીને મહેસુલી દરજ્જાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવે તેવી આશા બન્નીવાસીઓ વ્યક્ત કરી રહ્યા છે.બન્નીને કુટુંબ દીઠ જમીન મળે ગૌચર સીમતળ નિમાયે તેવી આશા બન્ની વાસીઓ વ્યક્ત કરી રહ્યા છે. બન્નીની જમીનનો નિવેડો લાવી મહેસુલી દરજ્જાની સાથે વ્યક્તિ દીઠ જમીન ફાળવવા અંગે નિર્ણય લેવાશે અને બન્નીના ગામોમાં ગૌચર, ગામતળ અને સીમતળ નીમ થાય તો આ અંતરિયાળ અને સરહદી વિસ્તાર વિકાસ સાધી શકે.આવનારા સમયમાં નર્મદા નીરથી બન્નીને નવસાધ્ય કરી શકાશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer