પચ્છમમાં બે દિ''માં વ્યાપક વરસાદ : નદીઓ બે કાંઠે

પચ્છમમાં બે દિ''માં વ્યાપક વરસાદ : નદીઓ બે કાંઠે
ભુજ, તા. 25 : કચ્છમાં વરસાદી માહોલ છતાં છૂટોછવાયો વરસાદ પડી રહ્યો છે. ભુજ તાલુકાના કાળા ડુંગર પર બે દિવસમાં વ્યાપક વરસાદ થતાં પચ્છમ વિસ્તારની નદીઓ બે કાંઠે વહી નીકળી હતી. બાંડી ડેમમાં પુષ્કળ પાણીની આવક થઇ હતી. તો લખપત તાલુકાનાં માતાના મઢમાં અને ભેડ માતાજીના વિસ્તારમાં એક-એક ઇંચ વરસ્યો હતો. અબડાસાને ઝાપટાંથી  પોણા ઇંચથી ભીંજવ્યો હતો. જ્યારે બન્નીના હાજીપીર-કરોલપીર વિસ્તારમાં અર્ધો ઇંચ મહેર ઉતરી હતી. - કોટડા - ચકારમાં એક ઇંચ : કોટડા (ચકાર) ભુજ તાલુકાના કોટડા ચકાર પંથક નાનો મોટો ધોરો રખાલ ભેડ માતાજી પંથકમાં આજે એકાદ ઇંચ વરસીને ધરાને  ધ્રો કરાવી ગયો. છે. ધરતીનાં રૂપ-રંગ નિખરી ઉઠ્યાં છે.  બપોરના ધીમીધારે એકાદ ઇંચ વરસી ગયો. પિયત ખેતીના કપાસ, એરંડા, મગફળી, ગુવાર જેવા પાકો તેમજ મોટા ભાગના બાગાયતી  પાકોને ભારે લાભકારી પાછોતરો વરસાદ માલધારીઓ માટે આનંદરૂપ બની રહ્યો છે. ખેંગાર સાગર ડેમમાં  જતી ભૂખી નદી દિવસોથી સતત ઝરણારૂપી નવાં નીરથી વહે છે. - લખપતમાં ભાદરવાના ભુસાકા : લખપત તાલુકામાં આજે તીર્થધામ માતાના મઢ, કોટડા, રવાપર વિસ્તારમાં એક ઇંચ જેટલો વરસાદ પડયો હતો. વીજળીના કડાકા ભડાકા સાથે અડધા કલાકમાં પાણી પાણી કરી નાખ્યું હતું. માતાજી મંદિરના ચાર નંબરના ગેટ પાસે પ્રસાદ, ચૂંદડી વેચતા શ્રમજીવીઓ, હાથલારીઓ જલ્દી જલ્દી પાણીના પ્રવાહથી બચવા દૂર લઇ જવાની કોશિશમાં લાગ્યા હતા. મંદિર સંકુલ બહાર મોટા પ્રમાણમાં પાણીનો પ્રવાહ ચાલુ થઇ જતાં નાનાં વાહનો ઊંચી જગ્યા પર પાર્ક કરવાની ફરજ પડી હતી.બપોરે 2 વાગ્યે ધોધમાર વરસાદ ચાલુ હતો ત્યારે દયાપર, ઘડુલી, વિરાણી કોરાધાકોર હતા. આમ, ભાદરવાના ભુસાકા થયા હતા. માતાના મઢ, જીએમડીસી લિગ્નાઇટ ખાણમાં પણ વરસાદની અસર જોવા મળી હતી.- કરોલપીરમાં અડધો ઇંચ : નખત્રાણા તાલુકાના મોટી વિરાણી, વાંઢ, સુખપર, ભારાપર, આમારા વિસ્તારમાં બપોર બાદ ઝાપટું પડતાં રસ્તા પર પાણી વહ્યાં હતાં.સાંગનારામાં સાડા ત્રણ વાગ્યે દશ મિનિટ વરસ્યો હતો. આમારા, હાજીપીર, કરોલપીર વિસ્તારમાં અડધો ઇંચ પડયો હતો. - અબડાસામાં ત્રીજા દિવસે પણ મહેર : તાલુકાનાં વાયોર આસપાસનાં ગામડાંઓમાં મેઘરાજાએ હાજરી પુરાવી હતી. ઉપરાંત, ગોયલા, મોખરા, ભોઆ, વાઘાપદ્ધર, ફુલાય વગેરે ગામોમાં અડધોથી પોણો ઇંચ જેટલો વરસાદ થયો હતો.- કાળા-ગોરા ડુંગર લીલાછમ : કાળા-ગોરા ડુંગર છેલ્લા 15 દિવસથી હાજરી પુરાવતા મેઘરાજાએ લીલાછમ બનાવી નાખ્યા છે. તો પચ્છમના નાના-મોટા દિનારા, ધ્રોબાણા, મોટા કોટડા,  કુરન, સુમરાપોર, બાંધા, ખાવડા, રતડિયા, રોહાતળ, પૈયા, ધોરાપર, તુગા, રબવીરી, કુનરિયા, જુણા, દેઢિયા પર બે દિવસથી બપોરે અને રાત્રે ઝાપટાં ચાલુ રહેતાં નદીઓ બે કાંઠે વહી રહી છે. ખેડૂતો અને માલધારીઓ ખુશખુશાલ બન્યા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer