માતાના મઢમાં નવરાત્રિએ મંદિર ખુલ્લું રહેશે

માતાના મઢમાં નવરાત્રિએ મંદિર ખુલ્લું રહેશે
વિશ્વનાથ જોશી દ્વારા - દયાપર (તા. લખપત), તા. 25 (વિશ્વનાથ જોશી દ્વારા) : તીર્થધામ માતાના મઢ ખાતે આશ્વિન નવરાત્રિમાં લાખો શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. હવે નવરાત્રિને ગણ્યાગાંઠયા દિવસો રહ્યા પછી પણ વહીવટી તંત્રએ ગાઇડલાઇન જાહેર ન કરતાં મોટી અવઢવ થઇ હતી. અખબારી અહેવાલ બાદ તંત્ર સફાળું જાગ્યું અને આજે માતાના મઢ જાગીર ખાતે નવરાત્રિ બેઠકનું આયોજન કરાયું હતું. પ્રાંત અધિકારી નાદુરસ્ત તબિયતના કારણે વીડિયો કોન્ફરન્સના માધ્યમથી ઉપસ્થિત રહ્યા હતા અને વિવિધ?સૂચનો કર્યા હતા. આ બેઠકમાં નવરાત્રિનો મેળો રદ્દ કરાતાં બહારના ધંધાર્થીઓને દુકાન માટે પ્લોટ?ફાળવણી પણ ન કરવા ગ્રામ પંચાયતને સૂચના અપાઇ હતી. મામલતદાર એ. એન. સોલંકીએ કોરોનાની વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ મેળાનું આયોજન અને પદયાત્રીઓ માટેના સેવા કેમ્પ ન ગોઠવાય તો વધુ સારું તેવું સૂચન કર્યું હતું જ્યારે ડીવાય. એસ.પી. વી. એન. યાદવે હાલના સમયમાં ક્યાંય ભીડ એકઠી ન થઇ જાય, ભોજન પ્રસાદની વ્યવસ્થા જો ન રખાય તો સારું અથવા ડિસ્પોઝલ થાળી-વાટકાનો ઉપયોગ કરાય તેવું સૂચન કર્યું હતું. માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટીઓ પ્રવીણસિંહ વાઢેર અને ખેંગારજી જાડેજાએ અંબાજી મંદિરનું દ્રષ્ટાંત આપી કહ્યું હતું કે, મેળો બંધ છે પણ ભોજન-પ્રસાદની વ્યવસ્થા ચાલુ હતી. અહીં પણ મેળો રદ્દ કરાય છે. વળી પદયાત્રીઓ માટે સેવા કેમ્પ પણ ક્યાંય કરવાના નથી તો દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ ભોજન ક્યાં લે તેની વ્યવસ્થા કરવી જરૂરી છે. પ્રાંત અધિકારી ડો. મેહુલકુમાર બરાસરાએ વીડિયો કોન્ફરન્સમાં જણાવ્યું કે, ધાર્મિક શ્રદ્ધાની લાગણી હું સમજું છું. માનવતાના ધોરણે ભોજનની વ્યવસ્થા કરાય પણ ક્યાંય ભીડ ન થઇ?જાય અને કોરોના ગાઇડલાઇનનું પાલન કરાય તે પર જરૂરી છે. ટ્રસ્ટીઓ દ્વારા અન્ય તીર્થોમાં પણ શ્રદ્ધાળુઓ જઇ રહ્યા છે તેવા દાખલા આપ્યા હતા. મેળો તો રદ્દ કરવાનો નિર્ણય લેવાયો છે પરંતુ ભોજન પ્રસાદ યાત્રિકો માટે ચાલુ રહેશે. સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ ગટરની કાયમી સમસ્યા હજુ હલ નથી થઇ ત્યારે નવરાત્રિ દરમ્યાન ભુજ-માંડવી નગરપાલિકાની ગત વરસે આવેલી ટીમો આ વરસે પણ આવે તેવી રજૂઆત કરી હતી. ઉપરાંત દુકાનો માટે પ્લોટ ફાળવણી રદ્દ કરાઇ છે ત્યારે ફક્ત સ્થાનિક લોકોને રોજગારી ઉપલબ્ધ થાય અને મુખ્ય બજારમાં ભીડ?ન થાય તે હેતુ ગેટ?નં. 4 પાસે સ્થાનિક વેપારીઓને પ્રસાદીના સ્ટોલ માટે છૂટછાટ?અપાય તેવી માંગ કરી હતી. પાણીની વ્યવસ્થા માટે એક વધારાનો સમ્પ છે તેમાં જોડાણ આપી વધારાનું પાણી સ્ટોકમાં રખાય, મોબાઇલ ટોયલેટની એક જ સંખ્યા છે જે અન્યત્ર વિભાગોમાંથી વધુ બે મોબાઇલ ટોયલેટની વ્યવસ્થા કરવા માંગ કરી હતી. પ્રાંત અધિકારીએ ગેટ?નં. 4 પર ફક્ત સ્થાનિક વેપારીઓને જ સ્ટોલ તે પણ ફક્ત પ્રસાદીને લગતા જ હોવા જોઇએ તેવી છૂટછાટ આપી હતી અને ગટર માટે નગરપાલિકામાંથી સ્ટાફની વ્યવસ્થા કરવા પણ સૂચના આપી હતી.આ વખતે બહારના ધંધાર્થીઓ અહીં દુકાનો ચાલુ નહીં કરી શકે કારણ કે મેળો હોય ત્યારે 250 જેટલા ધંધાર્થી અહીં પ્લોટ ભાડે રાખતા હોય છે. આ આવક ગ્રા.પં.ને ખોવી પડશે.આશાપુરા માતાજીના મંદિરનો સમય જાહેર કરતાં ટ્રસ્ટીઓએ જણાવ્યું કે, સવારના 4 વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી મંદિર ખુલ્લું રહેશે. બપોરના અડધો કલાક સફાઇ માટે જ બંધ રહેશે. ગેટ?નં. 4 પરથી એન્ટ્રી અપાશે કારણ કે એક નંબરનો ગેટ?ચાલુ થાય તો ભીડ વધી જાય તેમ છે. દર વર્ષની જેમ મુખ્ય પોઇન્ટ પર સી.સી. ટી.વી. કેમેરાની વ્યવસ્થા કરાશે. બહારના યાત્રિકો માટે ઉતારાની વ્યવસ્થા આ વખતે બંધ?રહેશે. ફક્ત દાતા પરિવાર, પોલીસ સ્ટાફ અધિકારીઓને વ્યવસ્થા કરી દેવાશે.એસ.ટી. બસ દર વખતે લાખો રૂપિયાનો નફો આ મેળા દરમ્યાન કરે છે, પરંતુ આ વખતે ફક્ત 50 જેટલી એસ.ટી. બસ અહીં ચાલુ કરાશે. જો જરૂર પડશે તો વધુ 50 મળી 100 જેટલી એસ.ટી. બસની સુવ્યવસ્થા ગોઠવાશે તેવું વિભાગીય નિયામક વાય. કે. પટેલે જણાવ્યું હતું. તેમની સાથે ઉપસ્થિત વિભાગીય પરિવહન અધિકારી આર. આર. પંડયા, ડેપો મેનેજર એચ. આર. સામરા વિગેરે કહ્યું કે, લોકોને તકલીફ ન પડે તેનું ધ્યાન રખાશે. એસ.ટી. બસનો કંટ્રોલ ડેપો હેલિપેડની નજીક બનાવાશે. ડીવાય.એસ.પી. વી. એન. યાદવે કચ્છમિત્રને વિગત આપતાં જણાવ્યું કે, સુરક્ષા હેતુ 500 જેટલા પોલીસકર્મીઓ, જી.આર.ડી. જવાનો તૈનાત રહેશે. ખાનગી નિરીક્ષણ માટે પણ પોલીસે ખાસ વ્યવસ્થા કરી છે જેથી મહિલાઓને કનડગત ન થાય. મેટલ ડિટેક્ટરથી પણ તપાસની વ્યવસ્થા ઊભી કરાશે. હાઇવે પર સતત પોલીસ પાર્ટી દ્વારા મોબાઇલ વાનથી પેટ્રોલીંગ ચાલુ રખાશે. આ ઉપરાંત આરોગ્ય અધિકારી ડો.રોહિત ભીલ, પી.જી.વી.સી.એલ.ના અધિકારી, પાણી પુરવઠા, ફૂડ કંટ્રોલના અધિકારીઓને વિવિધ જવાબદારીઓ અપાઇ હતી. નવરાત્રિ દરમ્યાન આરોગ્યની ટીમ દવાખાનામાં તૈનાત રહે તેમજ દરેક વિભાગ પોતાની ટીમના મોબાઇલ નંબર સહિત વિગતો આપે, વોટસએપ ગ્રુપ બને, ફૂડ?ડ્રગ્સ દ્વારા વેપારીઓ, ખાણી-પીણીના દુકાનદારોની તપાસ થાય, આરોગ્યની જાળવણી, સ્વચ્છતા પર ભાર મુકાય, વાહનો ફસાય તો ક્રેનની વ્યવસ્થા, ફાયર ફાઇટર, એમ્બ્યુલન્સ, પી.જી.વી.સી.એલ. દ્વારા વીજળી પુરવઠો જળવાઇ રહે, ટ્રાન્સફોર્મરને ફરતે ફેન્સીંગ કરવા, ભારે વાહનો માટે પાનેલી-વાલ્કા-નેત્રાવાળા રૂટ?પર ચલાવાય તે માટે જાહેરનામું બહાર પાડવા અંગે ચર્ચા થઇ હતી.હાલમાં નખત્રાણાથી દયાપર હાઇવે રસ્તો અતિ જર્જરિત છે અને તેમાંય વરસાદ પડતાં મોટા ખાડા પડી ગયા છે. મથલ પાસે તો ડામર દેખાતો પણ નથી ત્યારે નવરાત્રિ પહેલાં આ રસ્તો બનાવી દેવાય તેવી સૂચના આપી હતી. નાયબ કાર્યપાલક ઇજનેર (માર્ગ-મકાન (રાજ્ય) શ્રી પંચાલે  આ માર્ગ જલ્દી મરંમત થઇ જશે તેમજ ઝાડી કટિંગનું કામ પણ થઇ જશે તેવું જણાવ્યું હતું. જાગીર દ્વારા મેડિકલ કેમ્પ અને સ્નાનઘાટ શરૂ થશે. આ બેઠકમાં જાગીરના મેનેજર મયૂરસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી વિનોદભાઇ જોષી, આર. એન્ડ બી.ના શ્રી સોઢા, ટ્રસ્ટી વિનોદભાઇ સોલંકી, વિવિધ વિભાગોના અધિકારીઓ હાજર રહ્યા હતા. જંગલ ખાતા વિભાગમાંથી કોઇપણ ઉપસ્થિત ન રહેતાં તેમને નોટિસ આપવા સૂચના અપાઇ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer