કચ્છના નાની સિંચાઈના ડેમોમાં 28.55 ટકા પાણી

કચ્છના નાની સિંચાઈના ડેમોમાં 28.55 ટકા પાણી
ભુજ, તા. 25 : ગત વર્ષે કચ્છને ન્યાલ કરાવી જનારા મેઘરાજા ચાલુ વર્ષે કંજુસાઈ સાથે વરસતાં નાની સિંચાઈના 170 ડેમમાં 28.55 ટકા પાણીનો જથ્થો બચ્યો છે, જો કે, અમુક તાલુકામાં પાછોતરો વરસાદ થતાં 110 ડેમમાં નવાં નીર આવ્યા છે, જે પૈકી 7 ડેમ ઓગની ગયા છે. જિલ્લા પંચાયતની સિંચાઈ શાખામાંથી પ્રાપ્ત વિગતો મુજબ કચ્છમાં 170 નાની સિંચાઈના ડેમ આવેલા છે, જેમાં કુલ 10,537.62 મિલિયન ઘન ફૂટ પાણીની સંગ્રહશક્તિ સામે વર્તમાન પરિસ્થિતિ મુજબ 3008.68 મિલિયન ઘન ફૂટ મીટર એટલે કે 28.55 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે અપૂરતો અને અનિયમિત વરસાદ થતાં મોટાભાગના ડેમની સ્થિતિ ખાલી જેવી છે. જો કે મોડેમોડે અમુક તાલુકામાં વરસાદ થતાં 110 ડેમમાં નવા પાણી આવતા 7 ડેમ ઓગની ગયા છે. જેમાં ભુજ તાલુકાના ચુનડી અને સાધારા, અબડાસા તાલુકા સુથરીનો બલવંત સાગર અને ચકુડા બાંડિયા, રાપરનો મૌવાણા અને ભચાઉ તાલુકાના રતનપર અને ઘોડાધ્રો ડેમનો સમાવેશ થાય છે. આ 110 ડેમમાં પાણીની આવક થતાં આસપાસના ખેડૂતોને સિંચાઈમાં થોડેઘણે અંશે રાહત થઈ છે, જો કે 60 ડેમ એવા છે જેમાં પાણીની આવક જ થઈ નથી. ડેમોમાં પાણીના જથ્થા પર આંકડાકીય નજર કરીએ તો ભુજ તાલુકાના 35માંથી 16માં અંશત: અને 2 ઓગનવા સાથે 297.14 મિલિયન ઘન ફૂટ પાણી, અંજારમાં 12માંથી 5માં 110.47, માંડવીના 21 પૈકી 19માં 968.96, મુંદરાના 11માંથી 8માં 410.55, નખત્રાણાના 16 પૈકી 15માં 187.76, લખપતના 17માંથી 8માં 138.11, અબડાસાના 24 ડેમમાંથી 17 અને બે ડેમ ઓગનવા સાથે 499.31, રાપરમાં પણ 16માંથી 7 ઉપરાંત એક ઓવરફ્લો થવા સાથે 108.61, ભચાઉના 18 પૈકી 8 ઉપરાંત બે ઓવરફ્લો થવાથી 287.78 ટકા મિલિયન ઘન ફૂટ પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. ચાલુ વર્ષે સિઝનનો સૌથી વધુ 650 મિ.મી. એટલે કે 26 ઈંચ વરસાદ અંજાર તાલુકામાં પડયો છે, તેમ છતાં આ વિસ્તારના ડેમો ઓગન્યા નથી, તો ભુજ તાલુકામાં પણ છૂટક-છૂટક કરીને 16 ઈંચ, નખત્રાણામાં 18 ઈંચ સિઝનનો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. તેમ છતાં મોટાભાગના ડેમોની સ્થિતિ ખાલી જેવી છે. જો કે, આગામી 7મી ઓક્ટોબર સુધી વરસાદી સિઝન ચાલુ રહેવાની હવામાન ખાતાની આગાહી હોવાથી કચ્છના બાકી રહેતા ડેમો ભરાવાની આશા હજુ જીવંત રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વર્ષે મેઘાની અવિરત કૃપા થકી નાની સિંચાઈના 170માંથી 116 ડેમ ઓગન્યા હતા અને 88 ટકા જળરાશિ સંગ્રહિત થઈ હતી, પરંતુ ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને ન વરસતા 170માંથી માત્ર 7 ડેમ જ ઓગન્યા છે અને 103માં થોડી ઘણી આવક થઈ છે. તો 60 ડેમની સ્થિતિ તળિયાઝાટક છે. જેમાં ભુજ તાલુકાના 35માંથી 16, અંજાર 12માંથી 7, માંડવી 21માંથી 2, મુંદરા 11 પૈકી 3, નખત્રાણા 16માંથી 1, લખપતના 17માંથી 9, અબડાસાના 24માંથી 5, રાપરના 16 પૈકી 8 અને ભચાઉના 18 પૈકી 8માં પાણી બચ્યું જ નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer