379 ગામમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ

379 ગામમાં પ્રથમ ડોઝમાં 100 ટકા રસીકરણ
ભુજ, તા. 24 : કચ્છમાં કોરોના સુરક્ષાચક્ર મજબૂતીકરણ માટે કોવિડ-19 રસીકરણ સુપર મેગા ડ્રાઇવનું વારંવાર આયોજન કરવામાં આવે છે. જે અંતર્ગત  કોવેક્સિન તેમજ કોવિશિલ્ડ 400થી વધુ રસીકરણ સ્થળો પર સમગ્ર દિવસ દરમ્યાન લાભાર્થીઓને કુલ પ્રથમ ડોઝમાં 13,17,978 અને બીજો ડોઝ 4,81,138 આમ કુલ પ્રથમ  તેમજ દ્વિતીય મળીને હાલમાં 17,99,116 ડોઝનો વપરાશ કરવામાં આવ્યો છે. સમગ્ર જિલ્લામાં  અત્યાર સુધીમાં 13 લાખથી વધુ લોકોને પ્રથમ ડોઝથી રક્ષિત કરાયા છે. જિલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. અને જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્માના માર્ગદર્શન મુજબ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. જનક માઢક તેમજ આરોગ્ય ટીમ  મહેનત કરી રહી છે.મહામંગળવાર તા. 31/8ના કોવિડ-19 સુપર મેગા ડ્રાઇવમાં 48197 કોવિડની રસીના ડોઝ અપાયા હતા.બીજો ડોઝ મહાઝુંબેશ તા. 17/9ના કચ્છમાં કોવિડ રસીકરણની કામગીરીમાં વિક્રમી એક જ દિવસમાં 63,323 કોવિડની રસીના ડોઝ અપાયા હતા. ધર્મગુરુઓ સાથે રહીને બેઠકો યોજવામાં આવી છે. ગામના સરપંચો, લોક આગેવાનોને મળીને રસીના મહત્ત્વ વિશે સમજણ અપાઇ હતી.તા. 17/9ના રસીકરણ મેગા કેમ્પેઇનના આયોજનના ભાગરૂપે અધિકારીઓ, કર્મચારીઓને તાલુકા લાયઝન ઓફિસર તરીકે ફરજ બજાવવાનો ઉપરાંત આરોગ્ય વિભાગ દ્વારા ઝુંબેશ સ્વરૂપે કોરોના વેક્સિનેશનની કામગીરી સમયબદ્ધ રીતે પાર પડે તે હેતુથી 10 તાલુકામાં  નોડલ ઓફિસરોની નિમણૂકના કલેક્ટર દ્વારા હુકમ કરાયા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer