હેમાડે વટ પુગો નિરંજન ધીણોધર સંભરન...

હેમાડે વટ પુગો નિરંજન ધીણોધર સંભરન...
અશ્વિન જેઠી અને નીતિન આંઠુ દ્વારા -  નખત્રાણા, તા. 25 : કવિ નિરંજને મારો ધીણોધર - મારો હિમાલય જે કલ્પના કરી છે તે ધીણોધર ડુંગર પર બે દિવસ દરમ્યાન થયેલા વરસાદથી સિદ્ધ યોગી દાદા ધોરમનાથનાં બેસણાં છે ત્યાં પ્રાકૃતિક સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું છે. સમગ્ર ડુંગર સહિતનો તળેટીનો વિસ્તાર નયનરમ્ય બન્યો છે. ચારે તરફ પથરાયેલી હરિયાળી મનને ટાઢક આપે છે, તો કુદરત સમીપે જવાનો પણ અહેસાસ થાય છે. માન્યતા એવી છે કે જેટલી ઔષધીય જડીબુટ્ટીઓ હિમાલયમાં મળે છે તેટલી ઔષધીય જડીબુટ્ટી ધીણોધર તેમજ છાવરમાં આવેલા ડુંગર પરથી થાન જાગીર તરફ ઊતરતાં પગદંડી માર્ગે ડુંગરની ખીણમાં જોવા મળે છે.તાલુકામાં અત્યારે વરસાદ શરૂ થતાં તેમજ સમગ્ર પશ્ચિમ કચ્છમાં વરસાદી વાતાવરણ જામ્યું છે ત્યારે ધીણોધર ડુંગરની મુલાકાત લેતાં કુલુ - મનાલી જેવા હિલ સ્ટેશનો પર હોઈએ તેવું લાગી રહ્યું હતું. વરસાદી વાદળો આભમાંથી ડુંગર પર ઊતરી આવતાં કુદરતનો નજારો-કરિશ્મા કંઈ ઓર જ છે તેવો અહેસાસ થાય છે.ડુંગર પર ચડતાં રંગબેરંગી બટર ફ્લાય, વિવિધ જાતના પક્ષીઓ, ઔષધીય વિવિધ ફૂલો સાથેના વેલા તેમજ કારાયલના કેકારવથી સમગ્ર ડુંગર ગાજી રહ્યો છે. તો આ વિસ્તારમાં નાના મોટા જંગલી જાનવરો - દીપડાનો પણ વસવાટ છે. હાલે કોરોના રૂપી મહમારીમાંથી છુટકારો થયો છે તેમજ હાલે શ્રાદ્ધપક્ષમાં જ અષાઢી વરસાદી વાતાવરણ છવાયું છે ત્યારે શનિ-રવિની રજાઓમાં આ સિદ્ધ યોગીઓની તપોભૂમિ ધીણોધર ડુંગરની એકવાર મુલાકાતથી આ પરમાત્મા ભગવાન ભોલેનાથ તથા પ્રકૃતિ સાથે તાદાત્મય સાધવા હાલે ધીણોધરની મુલાકાત લેતાં ખરેખરા અર્થમાં હિમાલયના દર્શન થાય છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer