રાજ્યપાલની કચ્છ મુલાકાતને પગલે ભુજ-ભચાઉ બિસમાર માર્ગની હાલત સુધરશે ?

રાજ્યપાલની કચ્છ મુલાકાતને પગલે ભુજ-ભચાઉ બિસમાર માર્ગની હાલત સુધરશે ?
ચોબારી, તા. 25 : ભચાઉ તાલુકાના ગુણાતીતપુર મુકામે આગામી 27મી તારીખે સોમવારે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પ્રાકૃતિક ખેતીવાડી વિષયક એક કાર્યક્રમમાં હાજરી આપવા આવવાના છે ત્યારે શુક્રવારે જિલ્લાનું સમગ્ર વહીવટીતંત્ર આ વિસ્તારની મુલાકાતે દોડતું થયું છે.ખાસ કરીને રાજ્યપાલ ભુજથી ભચાઉ વાયા દુધઈ થઈને જે માર્ગેથી ગુણાતીતપુર આવવાના છે તે રસ્તો છેક ભુજથી ભચાઉ સુધી બિસમાર હાલતમાં ફેરવાઈ ગયો છે. જાણવા મળતી વિગતો મુજબ જ્યારે કલેક્ટરે આ કાર્યક્રમ માટે ગુણાતીતપુરની મુલાકાત લીધી તે સમયે સંબંધિત તંત્રને માર્ગ વિશે સૂચના આપતાં સંબંધિત તંત્રે હાથ ઊંચા કરી દેતાં આશ્ચર્ય ફેલાયું હતું. ત્યારે એવું લાગે છે કે રસ્તાઓની બાબતમાં આમલોકો કોને ફરિયાદ કરે ? હજુ બે દિવસ પહેલાં જ માર્ગ મકાન વિભાગના મંત્રીએ વોટ્સએપ પર `માર્ગ મરંમત' અભિયાન વિશે જણાવ્યું છે કે વોટ્સએપ કરીને બિસમાર માર્ગ વિશે માહિતી આપો. ત્યારે ખુદ ઉચ્ચ અધિકારીઓ જ જે રસ્તાથી ત્રાસી ગયા હોય તેવા મહત્ત્વના એવા કચ્છના પ્રવેશદ્વારથી પાટનગર સુધી પહોંચવાનો રસ્તો જ વર્ષોથી બિસમાર હાલતમાં છે. લોકો આશા સેવી રહ્યા છે કે, વી.વી.આઈ.પી. આ રસ્તેથી પસાર થશે તો રસ્તો રિપેર થશે, પરંતુ આ રસ્તા વિશે કોઈને રસ હોય તેવું લાગતું નથી, તેવું લોકજીભે ચર્ચાઈ રહ્યું છે. ભુજથી માંડીને ભચાઉ સુધી વાયા દુધઈ થઈને આવતા આ માર્ગ પર મોટા-મોટા ખાડા એટલી હદે પડયા છે કે મોટો ગમખ્વાર અકસ્માત સર્જાવાની પૂરેપૂરી દહેશત પણ રહેલી છે.આ ખાડાઓનો લાભ લઈને તસ્કરો પણ અહીં સાવ ધીમી પડી જતી ગાડીઓ પર લૂંટ ચલાવવાના કિસ્સાઓ પણ નોંધાયા છે. હજુ બે દિવસ પૂર્વે જ આ માર્ગ પર ટ્રકના કાચ તોડી નાખવાની ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. આમ છતાં આ માર્ગ વિશે સંબંધિત તંત્ર હંમેશાં ઊંઘતું રહ્યું છે. હવે રાજ્યપાલ જ્યારે આ માર્ગેથી પસાર થવાના છે ત્યારે તંત્ર ઊંઘતું ઝડપાયું છે અને એકાએક હરકતમાં આવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer