ભુજના ત્રણ શખ્સ 14 કિલો ગાંજા સાથે ઝડપાયા

ભુજના ત્રણ શખ્સ 14 કિલો ગાંજા સાથે ઝડપાયા
ભુજ, તા. 25 : નશીલા અને માદક પદાર્થો સામેની કાર્યવાહી અવિરત રાખતાં પશ્ચિમ કચ્છ પોલીસે બાતમીના આધારે કાર્યવાહી હાથ ધરીને મારુતિ સ્વિફ્ટ કારમાં ભચાઉથી ભુજ તરફ આવી રહેલા ભુજના જિતેન્દ્ર લક્ષ્મણ કોઠારી, ઇસ્માઇલ ઉર્ફે લડુ તારમામદ ચાકી અને અનવર અલીમામદ ખલિફાને 14 કિલો, 131 ગ્રામ ગાંજા સાથે ઝડપી પાડયા હતા. સફેદ રંગની મારુતિ સ્વિફ્ટ કારમાં ત્રણ જણ ગાંજાનો મોટો જથ્થો લઇને આવી રહ્યા હોવાની બાતમીના આધારે પોલીસદળના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે આ દરોડો ભચાઉથી ભુજ માર્ગે પાડયો હતો, જેમાં ત્રણેય આરોપી પાસેથી  રૂા. 1,41,310ની કિંમતનો 14 કિલો અને 131 ગ્રામ માદક પદાર્થ ગાંજો કબ્જે કરાયો હતો. આ ત્રણેયની વિધિવત્ ધરપકડ કરીને તેમની સામે કેફી દ્રવ્ય ધારા તળે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પોલીસે આ માહિતી આપતાં જણાવ્યું હતું કે તહોમતદાર પાસેથી ગાંજા ઉપરાંત રૂા. અઢી લાખની કાર, રૂા. 16 હજારના ચાર મોબાઇલ ફોન અને રોકડા રૂા. 450 કબ્જે કરવામાં આવ્યા હતા.આરોપીઓ પૈકીનો ભુજમાં જૂની રાવલવાડીમાં પિંગલેશ્વર મહાદેવ મંદિર પાસે 303 નંબરનાં મકાનમાં રહેતો જિતેન્દ્ર કોઠારી ભુજમાં જૂનાં બસ સ્ટેશન પાસે રેસ્ટોરેન્ટ ધરાવે છે. અગાઉ તે એસ.ઓ.જી.ના હાથે આજે પકડાયો તે જ માર્ગેથી ગાંજા સાથે પકડાયો હતો. તો બીજો આરોપી ભુજમાં કેમ્પ વિસ્તારમાં પીરવાળી શેરીમાં માંજોઠી મદરેસા પાસે રહેતો ઇસ્માઇલ ઉર્ફે લડુ ચાકી અગાઉ મારામારી અને હુમલાના ગુનામાં પકડાઇ ચૂકયો છે, જ્યારે અનવર ખલિફા લડુની પડોશમાં જ રહે છે અને તે તેનો ખાસ સાગરીત હોવાનું પોલીસસૂત્રો પાસેથી જાણવા મળ્યું હતું. ત્રણેય આરોપી ગાંજો કયાંથી લાવ્યા તેના સહિતની સઘન પૂછતાછ પોલીસે જારી રાખી છે. અલબત્ત, આ વિગતો હજુ જાહેર કરાઇ નથી. આ પ્રકરણમાં પણ અગાઉની જેમ જિલ્લા બહારનું જોડાણ નીકળે તેવી સંભાવના જોવાઇ રહી છે.  કાર્યવાહીમાં ભુજ વિભાગના સર્કલ ઇન્સ્પેકટર એસ.બી. વસાવા તથા એસ.ઓ.જી.ના કાર્યકારી ઇન્સ્પેકટર એ.આર. ઝાલા સાથે સ્ટાફના સભ્યો જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer