ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની યોજાયેલી ચૂંટણીમાં કચ્છમાં 68.51 ટકા મતદાન

ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડની યોજાયેલી ચૂંટણીમાં કચ્છમાં 68.51 ટકા મતદાન
ભુજ, તા. 25 : શનિવારે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડના સભ્યો માટેની ચૂંટણી સમગ્ર રાજ્યમાં અલગ-અલગ જિલ્લામાં નક્કી કરેલા મતદાન મથકો પર યોજવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં ભુજ, અંજાર અને નખત્રાણા ખાતે કુલ ત્રણ મતદાન મથકો પર 68.51 ટકા મતદાન નોંધાયું હતું. હવે ગાંધીનગર ખાતે સોમવારે મતગણતરી હાથ ધરાશે. ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા અલગ-અલગ વિભાગના મતદાર યાદીના સમાવિષ્ટ મતદારો માટે  આચાર્ય, શિક્ષક, વહીવટી અને બી.એડ. કોલેજના આચાર્ય તથા સંચાલક મંડળ અને વાલી મંડળના મતદાર મંડળોની ચૂંટણી યોજાઈ હતી.  કચ્છ જિલ્લામાં ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક શાળાઓના વિવિધ સંવર્ગના મતદાર વિભાગમાં મતદારોએ મતદાન કર્યું હતું.  શાંતિપૂર્ણ વાતાવરણમાં બેલેટ પત્ર દ્વારા આ ચૂંટણી યોજવામાં આવી હતી.  સવારે આઠ વાગે મતદાન શરૂ થયું અને સાંજે પાંચ વાગે મતદાન પૂર્ણ થયું હતું જેમાં અંજાર 376માંથી 249 મતદારોએ (67.84%), ભુજ  526માંથી 401 (76.24 %) અને નખત્રાણા 201 મતદારોમાંથી 116 મતદારોએ (57.71 %) મતદાન કર્યું હતું.કચ્છ જિલ્લાની સમગ્ર મતદાનની વિગત જોઈએ તો કુલ મતદારો 1118માંથી 766  મતદારોએ (68.51 %)મતદાન કર્યું હતું. અંજાર ખાતે એન. એ. મન્સુરી, ભુજ ખાતે બી. એમ. વાઘેલા અને નખત્રાણા ખાતે  કે. એમ. મોતાએ ચૂંટણી અધિકારી તરીકે તથા જી. જી. નાકર, દીપિકાબેન પંડ્યા, મેનાબેન મોઢા મદદનીશ ચૂંટણી અધિકારી તરીકે ફરજ બજાવી હતી.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડના સચિવ ડી. એસ. પટેલ અને અધ્યક્ષ જે. એ. શાહ સાહેબના માર્ગદર્શન નીચે સમગ્ર રાજ્યમાં આ ચૂંટણી યોજવામાં આવી હતી. કચ્છ જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. બી. એન. પ્રજાપતિના માર્ગદર્શન નીચે બોર્ડના વિવિધ વિભાગોના મતદારોની આ ચૂંટણી ખૂબ જ શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થતાં સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. આ કામગીરીમાં ઈ.આઇ. વી. એમ. તેરૈયા અને બી. આર. વકીલ દ્વારા સંકલન કરવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer