હૈદરાબાદ સામે પંજાબની પાંચ રને જીત

શાહજાહ, તા. 25 : ઇંડિયન પ્રિમિયર લિગમાં શનિવારે પોઇન્ટ ટેબલ પર તળિયાંની બન્ને ટીમો વચ્ચે છેલ્લા દડા સુધી રસાકસીભર્યા મુકાબલાના અંતે પંજાબ કિંગ્સ સામે સનરાઇઝર્સ હૈદરાબાદ પાંચ રને હારી ગઇ હી. પંજાબે આપેલું 126 રનનું લક્ષ્ય આંબવા મેદાન પર ઉતરેલી હૈદરાબાદ વતી છેલ્લા દડા સુધી ક્રિઝ પર ટકી રહેતાં 29 દડામાં પાંચ છગ્ગા સાથે અણનમ 47 રન કરનાર જેશન હોલ્ડરના પ્રયાસો એળે ગયા હતા.માત્ર 10 રને બે વિકેટ ખોયા પછી સનરાઇઝર્સની વિકેટો ટૂંકા અંતરે ખરતી રહી હી. રિદ્ધિમાન સહાએ ધીમી ગતિએ 31 રન કરીને સ્કોર બોર્ડને ગતિ આપવાનો પ્રયાસ કર્યો હતો. પણ રનઆઉટ થઇ ગયો હતો. પંજાબ વતી રવિ બિશ્નોઇએ 3 વિકેટ ઝડપી હતી. અગાઉ પંજાબ કિંગ્સે હૈદરાબાદ સામે 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 125 રન કર્યા હતા. પંજાબની શરૂઆત નબળી રહેતા માત્ર 26 રનના કુલ સ્કોરે પહેલી વિકેટ ગુમાવી હતી. જેમાં રાહુલ 21 બોલમાં 21 રન કરીને પેવેલિયન તરફ પરત ફર્યો હતો. ત્યારબાદ પાંચ રન કરીને મયંક અગ્રવાલ પણ આઉટ થતા પંજાબનો સ્કોર બે વિકેટે 27 રન થયો હતો.આ દરમિયાન ક્રિસ ગેલ અને મર્રક્રમે બાજી સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. જો કે ગેલ ફરી એક વખત મોટી ઈનિંગ રમવામાં નિષ્ફળ ગયો હતો. ગેલ 17 બોલમાં 14 રન કરીને વિકેટ ગુમાવી બેઠો હતો. જ્યારે મર્રક્રમે 32 બોલમાં 27 રન કર્યા હતા. આ ઉપરાંત પુરન પણ 8 રનમાં આઉટ થયો હતો. પંજાબની સમયાંતરે વિકેટ જતા મોટો સ્કોર થઈ શક્યો નહોતો અને હૈદરાબાદના બોલરોએ પંજાબના ખેલાડીઓને સતત પરેશાન કર્યા હતા. પંજાબ તરફથી દીપક હુડાએ 13 રન, હરપ્રીત બરારે 18 રન હને નાથન ઈલીસે 12 રન કર્યા હતા. હૈદરાબાદ તરફથી જેસન હોલ્ડરે સૌથી વધારે ત્રણ વિકેટ લીધી હતી. હોલ્ડરે પોતાની 4 ઓવર દરમિયાન માત્ર 19 રન જ આપ્યા હતા. જ્યારે સંદીપ શર્મા, ભુવનેશ્વર કુમાર, રાશીદ ખાન અને અબ્દુલ સમદને એક એક વિકેટ મળી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer