રાજસ્થાનને હરાવી પ્લેઓફના ઉંબરે પંતસેના

અબુધાબી, તા. 25 : બોલરોનાં શાનદાર પ્રદર્શનના દમ ઉપર દિલ્હી કેપિટલ્સે શેખ ઝાયેદ સ્ટેડિયમમાંરમાયેલા આઈપીએલના 36મા મુકાબલામાં રાજસ્થાન રોયલ્સને 33 રને હરાવ્યું છે. દિલ્હીએ ટોસ જીતીને પહેલાં બેટિંગ કરતાં 20 ઓવરમાં છ વિકેટે 154 રન કર્યા હતા. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની ટીમના કેપ્ટન સંજુ સેમસને 53 બોલમાં આઠ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી નોટઆઉટ 70 રન કર્યા હતા તેમ છતાં ટીમ 20 ઓવરમાં છ વિકેટે 121 રન જ બનાવી શકી હતી. દિલ્હી તરફથી એનરિચ નોર્ત્ઝેએ બે વિકેટ લીધી હતી, જ્યારે આવેશ ખાન,  અશ્વિન, રબાડા અને અક્ષર પટેલને એક એક વિકેટ મળી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી રાજસ્થાનની શરૂઆત ખરાબ રહી હતી અને 17 રનના જુમલે ત્રણ વિકેટ ગુમાવી દીધી હતી. ત્યારબાદ મહિપાલ લોમરોર ચોથી વિકેટનાં રૂપે પેવેલિયન પરત ફર્યો હતો. આ ઉપરાંત રિયાન પરાગ અને રાહુલ તેવટિયા પણ સસ્તામાં આઉટ થયા હતા. આ દરમિયાન સંજુ સેમસને એક છેડો સાચવીને 70 રન કર્યા હતા. આ અગાઉ બેટિંગમાં ઉતરેલી દિલ્હીની ટીમની પણ શરૂઆત સારી નહોતી રહી અને 21 રનના સ્કોરે શિખર ધવન અને પૃથ્વી શોની વિકેટ ગુમાવી હતી. ત્યારબાદ શ્રેયસ અય્યર અને ઋષભ પંતે ત્રીજી વિકેટ માટે 62 રનની ભાગીદારી કરી હતી.  પંત 24 રને આઉટ થયો હતો, જ્યારે અય્યરે 43 રન કર્યા હતા. હેટમાયર 28 રન બનાવીને આઉટ થયો હતો.રાજસ્થાન તરફથી સાકરિયા અને મુસ્તફિઝુરે બે બે વિકેટ લીધી હતી, જ્યારે કાર્તિક ત્યાગી અને તેવટિયાને એક એક વિકેટ મળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer