કચ્છમાં 87 ટકા વરસાદ વરસવા છતાં મધ્યમ સિંચાઈના ડેમો તરસ્યા

ભુજ, તા. 25 : કચ્છમાં મોડે મોડે પણ મહેરબાન થયેલા મેઘરાજાએ પાછોતરી મહેર વરસાવી કચ્છીમાડૂઓ તેમાંય ખાસ કરીને ખેડૂતોના હૈયે મોટી ટાઢક પહોંચાડી છે. જૂનથી ઓગસ્ટ માસમાં જેટલો સરેરાશ વરસાદ વરસ્યો તેનાથી લગભગ બમણો વરસાદ સપ્ટેમ્બર માસમાં વરસ્યો છે. કચ્છમાં સરેરાશનો 87 ટકા વરસાદ વરસી ચૂક્યો હોવા?છતાં મધ્યમ કક્ષાના ડેમોમાં હાલની સ્થિતિએ માત્ર 29 ટકા પાણીનો જથ્થો જ સંગ્રહિત થયો છે. ક્યાંકને ક્યાંક વરસેલા સાર્વત્રિક વરસાદના દોરમાં ક્યાંક ને ક્યાંક સંબંધિત ડેમના  કેચમેન્ટ વિસ્તારમાં અન્ય વિસ્તારોની તુલનાએ પ્રમાણમાં ઓછો વરસાદ વરસતાં આ સ્થિતિ સર્જાઇ હોવાનું જાણકારો માની રહ્યા છે. કચ્છમાં 442ની સરેરાશ સામે અત્યાર સુધી 387 મિ.મી. પાણી પડયું છે. મોડે મોડે પણ સારી ગણી શકાય તેવી મહેર વરસી હોવા છતાં જિલ્લામાં મધ્યમ કક્ષાના ડેમોમાં જળસંગ્રહની સ્થિતિ હજુ સંતોષકારક દેખાતી નથી. જિલ્લામાં મધ્યમ સિંચાઇના 20 ડેમની કુલ જળસંગ્રહ શક્તિ 332.27 મિલિયન ક્યુબિક મિટર છે. કુલ જળસંગ્રહ શક્તિ સામે વર્તમાન સ્થિતિએ જિલ્લાના ડેમોમાં 97.11 મિલિયન ક્યુબિક મીટર પાણી સંગ્રહિત થયેલું છે. જે કુલ જળસંગ્રહ ક્ષમતાના 29 ટકા થવા જાય છે. આમ, પ્રમાણમાં ટકાવારીની દૃષ્ટિએ સારો કહી શકાય તેવો વરસાદ વરસ્યો હોવા છતાં સિંચાઇના ડેમો તો 70 ટકા એટલે કે, લગભગ પોણા ભાગના ખાલી પડયા છે.20 પૈકી કારાઘોઘા અને ફતેહગઢ ડેમ એવા છે કે, જેમાં 80 ટકાથી વધુ પાણીની આવક થઇ છે. આ બંને ડેમોને અનુક્રમે હાઇ એલર્ટ અને એલર્ટ મોડમાં રખાયા છે.લખપત તાલુકામાં જિલ્લાના અન્ય વિસ્તારોની તુલનાએ  ઓછો વરસાદ વરસતાં અહીંનો સાનધ્રો તળિયાઝાટક થવા સમાન સ્થિતિમાં છે. જિલ્લાના સૌથી મોટા એવા રૂદ્રમાતા ડેમમાં પણ માંડ 10 ટકા પાણી જ સંગ્રહિત થયું છે. આ બે ઉપરાંત કાલિયા, જંગડિયા, ગજણસર, ભુખી એવા ડેમ છે કે જેમાં 20 કે તેથી ઓછા ટકા પાણીનો  જથ્થો સંગ્રહિત થયો છે. નરા, નિરોણા, ગોધાતડમાં પણ 21થી લઈ 30 ટકા વચ્ચે પાણીનો જથ્થો સંગ્રહિત થયો છે એટલે કે, સ્થિતિ ઠીકઠાક જ ગણી શકાય.ફતેહગઢ અને કારાઘોઘાને બાદ કરતા જિલ્લામાં એક પણ ડેમ એવો નથી કે જેમાં 60 ટકાથી વધુ પાણીનો જથ્થો સંગ્રહિત થયેલો હોય. ગત વર્ષ વિક્રમી વરસાદ વરસ્યો હોવાના કારણે આ વર્ષ ડેમોમાં પ્રમાણમાં સારો એવો જથ્થો સંગ્રહિત હતો પણ?આ વખતની સ્થિતિ જોતાં રવિ પાકની સિઝનમાં ખેડૂતોને સિંચાઇ માટે મુશ્કેલી વેઠવી પડશે તદુપરાંત ઉનાળામાં જળસંકટની સ્થિતિ સર્જાય તેવી સંભાવનાને નકારાતી નથી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer