ભચાઉ પાસેથી 67 લાખનું બેઝ ઓઈલ ઝડપાયું

રાપર, તા. 25 : બેઝ ઓઈલ ઉપર સરકારે પ્રતિબંધ લગાડયા બાદ અગાઉ પોલીસ દ્વારા સાગમટે કાર્યવાહી કરાઈ હતી.  તેમાં હવે થોડા સમયના વિરામ બાદ પુન: કાર્યવાહી કરાઈ છે. જે અંતર્ગત ભચાઉ નજીક બંધ કંપનીની ઓરડીમાંથી પોલીસે માતબર કિંમતનો  ગેરકાયદે બેઝ ઓઈલનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહી દરમ્યાન 1.07 કરોડનો મુદામાલ કબ્જે કરાયો હતો.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ પૂર્વ બાતમીના આધારે સ્થાનિક ગુનાશોધક શાખાની ટુકડીએ ભચાઉ ભુજ હાઈવે ઉપર રેલવે ફાટક પાસે મામાદેવ મંદિર પાસે આવેલી કંપનીમાં કાર્યવાહી કરી હતી. સી.ઓઈલ નામની બંધ પડેલી એરંડા મિલના પરિસરમાં લોકો અન્ય ટેન્કમાં  ભરવાની પેરવી કરાતી હતી ત્યાંજ પોલીસ ત્રાટકી હતી. આ સ્થળે તપાસ કરતા ગેરકાયદે બેઝ ઓઈલનો જથ્થો મળી આવ્યો હતો. દૂધનાથ રામપ્રસાદ રાજભર, તુલશારામ લુમ્બારામ બીશ્નોઈ, લછમણરામ ચેનારામ ચૌધરી, અને જોગારામ રાવતારામ ચૌધરી આ પરિસરમાં ગેરકાયદે બેઝ ઓઈલનું વેચાણ કરતા હતા. પોલીસે 1.03 લાખ લિટર બેઝ ઓઈલનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત રૂ. 67 લાખ આંકવામાં આવી છે. આ કાર્યવાહી દરમ્યાન રૂા. 40 લાખની કિંમતના ચાર ટેન્કર અને 40 હજારની કિંમતના ચાર નંગ મોબાઈલ ફોન સહિત રૂ. 1.07 કરોડની કિંમતનો મુદામાલ કબ્જે કરાયો હતો. ભચાઉના નાયબ પોલીસ અધિક્ષકને સાથે રાખી ગુનો નોંધવા માટે ભચાઉ પોલીસ મથકને બેઝ ઓઈલનો જથ્થો સોંપવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેનીય છે કે અગાઉ પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં મોટે પાયે પોલીસે કાર્યવાહી કરી બેઝ ઓઈલના ગેરકાયદે જથ્થાને ઝડપી પાડયો હતો. ડીઝલના વધતા જતા ભાવના કારણે બેઝ ઓઈલ સસ્તું પડતું હોવાના કારણે બેઝ ઓઈલનો ગેરકાયદે વેપલો હજુ પણ ચાલુ જ હોવાનું આજે ભચાઉ ખાતે થયેલી કાર્યવાહી ઉપરથી સમજાય છે.  ગઈકાલે જ ગાંધીધામમાં બી.ડિવિઝન પોલીસે રૂા. બે લાખથી વધુની કિંમતનો જથ્થો ઝડપી પાડયો હતો. આ કાર્યવાહીના ગણતરીના કલાકમાં જ  પૂર્વ કચ્છમાંથી બીજો મોટો જથ્થો ઝડપાયો હતો. આ કાર્યવાહીમાં ભચાઉ ડી.વાય.એસ.પી.કે.જી.ઝાલા, એલ.સી.બી.ના ઈન્ચાર્જ પી.આઈ કે.એન.સોલંકી અને એલ.સી.બી. સ્ટાફ જોડાયો હતો.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer