સુવઈમાં પશુપાલકની 8 ભેંસ મોતના મુખમાં ધકેલાતાં ચકચાર

રાપર, તા. 25 : તાલુકામાં પશુપાલન મુખ્ય વ્યવસાય છે અને તેના ઉપર અનેક પરિવારોના  ગુજરાન ચાલી રહ્યા છે. તેવામાં રાપર તાલુકાના સુવઈ ગામમાં એક પશુપાલકની ભેંસોના અચાનક  મોત થતાં  ગામમાં ચકચાર સાથે અરેરાટી  પ્રસરી છે. આ બનાવના પગલે માલધારી પરિવારની હાલત કફોડી બની છે.હાલ વરસાદની મોસમ ચાલી રહી છે આ દરમ્યાન  પશુપાલક વરજાંગભાઈ કચરાભાઈ મહેશ્વરીની ભેંસોના એક પછી એક મોત નીપજવાનું શરૂ થયું હતું. 8 વર્ષથી પશુ પાલનનો વ્યવસાય કરીને પરિવારનું ગુજરાન ચલાવતાપશુપાલકના પરિવાર ઉપર આ બનાવના કારણે મોટી આફત આવી પડી છે. તેમના જણાવ્યા પ્રમાણે કોઈ અજાણ્યા રોગથી તેમના  પશુઓના મોત નીપજયાં છે.  કયા કારણોસર પશુઓ મોતના મુખમાં ધકેલાયા અને અન્ય પશુઓ બીમાર પડયા તે તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે.થોડા થોડા દિવસોના અંતરે  આ બનાવ બન્યો હતો. આ અંગે રાપર તાલુકા પશુ હોસ્પિટલના તબીબ ડો.આરતીબેન કાપડિયાનો સંપર્ક સાંધતાં તેમણે લોહીની બીમારીના કારણે પશુઓના મોત નીપજયાં હોવાનું અને  વરસાદી વાતાવરણના કારણે આ બીમારી થઈ હોવાનું જણાવ્યું હતું.અલગ અલગ તાલુકામાં જુદા જુદા લક્ષણ સાથે આ બીમારી   દેખાતી હોવાનું તેમણે ઉમેર્યું હતું. સુવઈના આ પશુપાલકની બીમાર ભેંસોની પૂરતી સારવાર કરવામાં આવે તેવી માંગ પ્રબળ બની છે.  અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ ખડીર પંથકમાં જનાણની સીમમાં પણ અનેક પશુઓના ભેદી બીમારીથી મોત નીપજયાં હતાં.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer