મોડવદર પાસે ટ્રક હડફેટે બાઈકસવારનું મોત

રાપર, તા. 25 : પૂર્વ કચ્છમાં માર્ગઅકસ્માત અને અકસ્માતમોતનાં ત્રણ બનાવમાં ત્રણ યુવાનની જીવનયાત્રા પૂર્ણ થઈ હતી. ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ આજે ફરીવાર રક્તરંજિત બન્યો હતો. મોડવદર નજીક  ટ્રકે બાઈકને હડફેટે લેતાં ગંભીર ઈજાઓથી બાઈકસવાર  અનિલસિંગ મહારાજસિંગ શકવારનું તત્કાળ મોત નીપજ્યું હતું, જ્યારે ચાલક અને અન્ય સવારને ઈજા પહોંચી હતી. ભચાઉ તાલુકાના ચોપડવા નજીક  ટ્રેન હડફેટે મહેન્દ્રપુરી વેલપુરી ગોસ્વામી (ઉ.વ.40)નું મોત નીપજ્યું હતું, તો ભચાઉ તાલુકાનાં ગુણાતીતપુરમાં વીજશોક લાગતાં ક્રિષ્નાકુમાર ભરત ઠાકુર (ઉ.વ.34)એ દમ તોડી દીધો હતો.પોલીસનાં સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ, ગાંધીધામ-ભચાઉ ધોરીમાર્ગ ઉપર મોડવદર પાટિયા પાસે માર્ગઅકસ્માતનો બનાવ આજે સવારે 7.45 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન તેના બે મિત્રો પડાણા ખાતે ટાઈલ્સનું કામ કરવા જતા હતા. જી.જે.12.વાય. 7724 નંબરની ટ્રકના આરોપી ચાલકે  રોંગ સાઈડમાં પૂરઝડપે ટ્રક ચલાવી બાઈકને હડફેટે લીધી હતી. ત્રણેય યુવાનો રોડ ઉપર ફંગોળાઈ ગયા હતા, જેમાં અનિલસિંગને માથાં સહિતના ભાગમાં ગંભીર પ્રકારની ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ પ્રાણપંખેરું ઊડી ગયું હતું. જ્યારે બાઈકચાલક અજયસિંઘ પ્રહ્લાદસિંઘ શકવાર  અને સુરજ કડેરાને ઈજાઓ પહોંચી હતી. હાઈવે પેટ્રોલિંગની ટીમ અને 108 દ્વારા ઈજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા, જે પૈકી અજયસિંગને સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલમાં ખસેડાયો છે. પોલીસે કન્દહી ચિદદા કડેરાની ફરિયાદના આધારે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.ભચાઉ તાલુકાના ચોપડવા ખાતે માર્ગ અકસ્માતનો બનાવ ગત  તા. 23ના રાત્રિના 11.30 વાગ્યાના અરસામાં બન્યો હતો.  અંકુર ફેક્ટરી સામેના રોડ ઉપર આવેલા રેલવે ટ્રેક પાસે હતભાગી યુવાન અકસ્માતે કોઈ ટ્રેન હડફેટે આવી ગયો હતો. ગંભીર ઈજાઓથી ઘટનાસ્થળે તેનું તત્કાળ મોત નીપજ્યું હતું. વધુ તપાસ ભચાઉ પી.એસ.આઈ. એ.કે. મકવાણા ચલાવી રહ્યા છે. ભચાઉ તાલુકાના  ગુણાતીતપુર ખાતે અકસ્માત મોતનો બીજો બનાવ ગત તા. 24.9ના  સવારના 10 વાગ્યાના અરસામાં બન્યો હતો. હતભાગી યુવાન જગદીશ પટેલનાં નવાં મકાનની બાંધકામની જગ્યાએ  ગ્રાઈન્ડરનું કામ કરતા હતા. આ દરમ્યાન વીજશોક લાગ્યો હતો. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયો હતો, પરંતુ તબીબે મૃત જાહેર કર્યો હતો. પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer