મથલમાં હડકાયા કૂતરાએ બે બાળાને જખ્મી કરતાં ઈંજેક્શન માટે ભુજનો ધક્કો

નખત્રાણા, તા. 25 : તાલુકાના મથલ ગામે હડકાયા કૂતરાએ બે બાળાને જખ્મી કરતાં તાલુકા મથક નખત્રાણાના સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે સારવાર માટે લઈ જવાઈ હતી. જ્યાં પૂરતા ઈંજેક્શનના અભાવે ભુજનો ધક્કો ખાવો પડયો હતો. જિલ્લા આરોગ્ય તંત્ર સામે પૂરતા ઈંજેક્શનનો જથ્થો ન ફાળવવા બાબતે જાગૃત નાગરિકોએ નારાજગી વ્યક્ત કરી હતી. મથલ ગામે ફળિયામાં રમતી નોસીમ સિધિકભાઈ (ઉ.વ. 7), કૌશર અબ્દુલકાદર લુહાર (ઉ.વ. 6) નામની શ્રમજીવી પરિવારની બાળાઓને હડકાયા કૂતરાએ કરડતા લોહીલુહાણ હાલતમાં નખત્રાણાના સી.એચ.સી.માં સારવાર માટે લઈ આવવામાં આવી હતી. ફરજ પરના ડોક્ટરે જખ્મી બાળાઓને આપવાના ત્રણ ઈંજેક્શન પૈકીના બે આપ્યા હતા જ્યારે ઈક્વીરેબ નામનું ઈંજેક્શન દવાખાનામાં ઉપલબ્ધ ન હોવાથી બજારમાંથી દવાની દુકાનેથી લઈ આવવા જણાવ્યું પણ આ ઈંજેક્શન નખત્રાણાની ખાનગી હોસ્પિટલ, મેડિકલ દુકાનોમાં ક્યાંય પણ ઉપલબ્ધ ન હોવાથી અનિવાર્ય અને મોંઘા ભાવનું ઈંજેક્શન લેવા ભુજ જનરલ હોસ્પિટલમાં લઈ જતા ત્યાં નિ:શુલ્ક સારવાર અપાઈ હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer