શિવલખા નજીક ખુલ્લામાં પડેલા સળિયાની તસ્કરી

રાપર, તા. 25 : ભચાઉ તાલુકાના શિવલખા ગામની સીમમાં કંપનીની બહાર રાખવામાં આવેલા સળિયા ચોરાયા હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે. પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ  ગત તા. 20ના  સાંજે 6 વાગ્યાથી  તા. 21ના સવારના 6 વાગ્યાના અરસામાં  કંપનીના સબ સ્ટેશનના પ્લાન્ટ પાસે બન્યો હતો. કોઈ તસ્કરો કંપનીના પ્લાન્ટની બહાર રાખેલા લોખંડના મટીરિયલમાંથી 16એમ.એમ.ના 6 મીટરની લંબાઈવાળા લોખંડના સળિયા તફડાવી જવાયા હતા.  દોઢ ટન વજનના ચોરાઉ સળિયાની કિંમત રૂા. 86 હજાર આંકવામાં આવી છે. ચોરીનો બનાવ બહાર આવ્યા બાદ ફરિયાદી દ્વારા પ્લાન્ટમાં આ સળિયાનો ઉપયોગ કર્યો છે કે કેમ તે અંગે તપાસ કરાઈ હતી. પંરતુ કોઈ પતો ન લાગતાં ઉપરી અધિકારીને જાણ કરી હતી. જે મામલે ગઈકાલે ફરિયાદ નોંધાવાઈ હતી. સ્ટરલાઈટ કંપની દ્વારા લાકડિયા વડોદરા 765 કે.વી.ની લાઈન નાંખવાની કામગીરી કરી રહી છે. આ માલ માળિયાથી લવાયો હતો. પરંતુ ગાડી અંદર જઈ શકે તેમ ન હોઈ બહાર રખાયો હતો. જેનો લાભ લઈ તસ્કરો ચોરી કરી ગયા હતા. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer