રાપરની શાળા સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં પસંદ,પણ સ્ટાફની ઘટ...

રાપર, તા. 24 : તાલુકા પંચાયત કચેરી પાસે આવેલી અને સમગ્ર શહેરમાં સૌથી વધુ ઊંચાઈ પર આવેલી સંત શ્રી ત્રિકમસાહેબ પ્રા. શાળાને 100 દિવસમાં સ્કૂલ ઓફ એક્સેલેન્સ તરીકે પસંદ કરવામાં આવી છે. આ શાળા સમગ્ર તાલુકામાં ગુણોત્સવ 2.0માં 76.10 ટકા સાથે ત્રીજા નંબરે આવી છે. હાલે રાપર તાલુકામાં સ્કૂલ ઓફ એક્સેલેન્સમાં 100 દિવસ માટે બે શાળા પસંદ થઈ છે જેમાં આ શાળા ઉપરાંત મોડા પ્રાથમિક શાળાને પસંદ કરાઇ છે અને આ શાળાના મુખ્ય શિક્ષકો તથા સીઆરસીને ભુજ અને ગાંધીનગર ખાતે ખાસ તાલીમ આપવામાં આવી હતી. આ શાળા ગ્રીન વન સ્ટારમાં ગણાય છે, પરંતુ હાલે ઓગસ્ટ માસના સેટઅપ મુજબ બે શિક્ષકોની એકથી પાંચ ધોરણ માટે ઘટ હોતાં ભારે હાલાકી ભોગવવી પડે છે. શિક્ષકોની બદલીના નિયમો આકરા છે એટલે ખાસ કિસ્સા તરીકે ગાંધીનગરથી નિયામક કક્ષાએથી તાત્કાલિક બે શિક્ષકો કાયમી ધોરણે અત્રે મુકાય તો સારું પરિણામ મળે. થોડા દિવસ પહેલાં એક અઠવાડિયા પૂરતી વ્યવસ્થા કરી અન્ય શાળામાંથી શિક્ષકને મૂકવામાં આવેલ જેમાં વચ્ચે રજાઓ આવતાં માત્ર ત્રણ દિવસ આ શિક્ષક આવેલા. જો કે, વ્યવસ્થાના ભાગરૂપે આવતા શિક્ષકને પોતાના વર્ગનું અને શાળાનું કામ પણ વ્યવસ્થાના લીધે બગડે માટે કાયમી ધોરણે રાપરની  સંત ત્રિકમસાહેબ પ્રા. શાળામાં બે શિક્ષકો મુકાય તેવી આ વિસ્તારના શાળા વ્યવસ્થાપન સમિતિના જાગૃત સભ્યોએ પ્રબળ માંગ કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer