ગ્રામ્ય સ્તરે પાણીનાં આયોજનનો નિર્ણય

ભુજ, તા. 25 : કલેક્ટર કચેરી ખાતે કલેક્ટર પ્રવીણા ડી.કે.ના અધ્યક્ષ સ્થાને અટલ ભૂજલ યોજનાની સમજણ સરકારના પાણી સાથે સંકળાયેલા વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે ગ્રામ્ય સ્તરે અમલીકરણ સરળતાથી કરી શકાય તે હેતુથી જિલ્લા સ્તરની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.અટલ ભૂજલ યોજનાની મિટિંગમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની ટીમ, ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ અમલીકરણ પાર્ટનરની ટીમ, ભુજ, ભચાઉ, અંજાર અને ભુજ તાલુકાના તાલુકા વિકાસ અધિકારી, સિંચાઈ વિભાગ, જી.ડબલ્યુ.એસ.એસ.બી., વાસ્મો, ડી.આર.ડી.એ., ખેતીવાડી વિભાગ, નગરપાલિકાના અધિકારીઓ હાજર રહ્યા હતા.બેઠકમાં ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટના પી.પી. વાળા દ્વારા કચ્છમાં અટલ ભૂજલ યોજના અંતર્ગત જે કાર્યો કરવામાં આવી રહ્યા છે તેની જાણકારી આપવામાં આવી હતી. ત્યારબાદ ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની ટીમ ડો. યોગેશ જાડેજા દ્વારા અટલ ભૂજલ યોજનાની જાણકારી આપવામાં આવી હતી અને ગ્રામ્ય સ્તરે અટલ ભૂજલ યોજના અંતર્ગત જળ સુરક્ષા આયોજન તૈયાર કરવાની કામગીરી કરવામાં આવી રહી છે, તેની પ્રક્રિયાની વાત કરવામાં આવી હતી અને ડિસ્ટ્રીક્ટ પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટની ટીમના જયંતીલાલ ગોરસિયા દ્વારા ગ્રામ્ય સ્તરે સરપંચ અને તલાટીઓનો સહયોગ મળી રહે તે માટે તાલુકા વિકાસ અધિકારીઓને સહયોગ કરવા જણાવાયું હતું.યોજનાનું ગ્રામ સ્તરે સારી રીતે અમલીકરણ કરી શકાય અને લોકો આ યોજનાની દરેક પ્રક્રિયામાં સહભાગી બને તે માટે આવનારા સમયમાં ભુજ, અંજાર, ભચાઉ અને માંડવી તાલુકામાં સરકારના વિવિધ વિભાગોના સહયોગથી તાલુકા સ્તરના સેમિનારનું આયોજન કરવામાં આવશે અને વધુમાં વધુ લોકોને આ યોજનામાં જોડી શકાય તેવી વ્યવસ્થા ઊભી કરવાનું નક્કી કરવામાં આવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer