કચ્છ એક્સપ્રેસ ટ્રેનમાં સોનાની ભૂલી જવાયેલી ત્રણ વીંટી માલિકને અપાઇ

મુંબઈ, તા. 26 (પ્રતિનિધિ દ્વારા) : રેલવે પ્રવાસ દરમિયાન માલસામાનની ચોરી થવાના કે ગુમ થવાના બનાવ રોજિંદા છે ત્યારે એક કિસ્સો એવો બન્યો છે કે, એક પ્રવાસીને ગુમ થયેલી રૂા. 50 હજારથી વધુની કિંમતની સોનાની ત્રણ વીંટી મળી આવતાં તેમણે મૂળ માલિક સહપ્રવાસીને પરત કરી હતી.બનાવની વિગત એવી છે કે કાંદિવલીમાં રહેતા પ્રાણજીવન મૂરજી ગોર તા. 20-9ના રોજ રાતે 8-15 વાગે કચ્છ એક્સ્પ્રેસમાં મુંબઈ આવવા નીકળ્યા હતા અને કૉચ એસ-2માં 25-26 નંબરની આરક્ષિત બેઠક હતી. બીજા દિવસે 21-9ના મંગળવારે સવારે 8-30 વાગે વૉશરૂમમાં ગયા હતા. સોનાની ત્રણ વીંટી આંગળીમાંથી ઉતારીને રાખીને ફ્રેશ થઈને પાછા બેઠક પર આવીને બેસી ગયા હતા. લગભગ એક કલાક પછી વીંટી વૉશરૂમમાં ભૂલી ગયાનું યાદ આવ્યું હતું. વૉશરૂમમાં જોવા માટે ગયા પણ વીંટી મળી ન હતી.આ માહિતી આપતાં પ્રાણજીવન ગોર (મંજલ રેલડિયા)એ જણાવ્યું કે, મેં મારી પત્નીને વાત કરી. એણે આશ્વાસન આપ્યું કે આપણે કોઈનું ખોટું કર્યું નહીં હોય તો વસ્તુ મળી જશે. તમે આજુબાજુવાળાને પૂછો એટલે હું પાછો ગયો અને વૉશરૂમની બાજુની સીટ પર બેઠેલા બે જણને વાત કરી. એમણે કહ્યું કે, અમને તો નથી મળી પણ સામે બેઠેલા કાકા પૂછતા હતા કે કાઈનું કાંઈ ખોવાયું છે એટલે એમને જઈને પૂછો.કાકાને પૂછ્યું તો કાકાએ કહ્યું કેટલી વીંટી હતી અને તમારી ઓળખ આપો. મેં બધી વાત કરી એ પછી કાકાએ કહ્યંy કે, ત્રણ વીંટી મને મળી છે. તમારી હોય તો તમે લઈ જાવ. કોઈ માલિક ન મળત તો હું ગૌશાળામાં દાન કરી દેત. એ કાકાનું નામ સુધીરભાઈ વિશનજી મારૂ મૂળ બિદડા (આદિપુર) અને હાલે ડોંબિવલીમાં રહે છે અને દરજીકામ કરે છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer