નવી શરતનાં નિયંત્રણ ઉઠાવવા માંગ

ભુજ, તા. 25 : રાજ્યની નવી રચાયેલી સરકારના મહેસૂલ મંત્રી રાજેન્દ્રભાઈ ત્રિવેદીને આવેદનપત્ર પાઠવીને હાઉસિંગ સોસાયટીના અગ્રણી અને સુપર સિનિયર સિટીઝન પુરુષોત્તમભાઈ વાઘમશીએ માગણી કરી છે કે હાઉસિંગ સોસાયટીઓને રહેણાક માટેની જમીનો/પ્લોટો તત્સમયની પૂરી બજાર કિંમત લઈને નવી શરતે મંજૂર થઈ છે. તેને હાલે 25, 30, 35 અને 40 વર્ષ કે વધુ સમય થયો છે. તે પ્લોટો?ઉપર લાભાર્થીઓએ મકાન બાંધી તેઓ કે તેમના 2થી 3 પેઢીના વારસો પૈકીના રહે છે. એટલે સરકારનો જમની આપવાનો હેતુ પૂર્ણ થઈ ગયો છે, છતાં 25, 30, 35 કે વધુ વર્ષથી નવી શરતનાં નિયંત્રણો ચાલુ રખાયાં છે તે એક પ્રકારનું શોષણ છે, તેથી 25 વર્ષ પછીના પ્લોટો ઉપરથી નવી શરતનાં બધાં નિયંત્રણો સત્વરે ઉઠાવી લેવાં જોઈએ. આવેદનપત્રમાં એવી પણ માગણી કરાઈ છે કે જમીનના પ્લોટને 25 વર્ષ થઈ ગયા હોય તેમની પાસેથી સરકારે કોઈ પ્રીમિયમ લેવાનું થતું નથી. તેથી જમીનના પ્લોટ ઉપર બંધાયેલા મકાનનો રહેણાકના હેતુ માટે ઉપયોગ થાય છે તેવો એક પુરાવો રજૂ થાય તો બીજા કાગળો કે પુરાવા માગ્યા સિવાય પ્લોટ જૂની શરતમાં ફેરવી આપવાના નિર્દેશો બહાર પાડવા પણ વિનંતી કરાઈ છે, જેથી હાલે વગવાળી વ્યક્તિઓ એકથી બે માસમાં જૂની શરતમાં ફેરવતા હુકમો મેળવી લે છે અને મધ્યમ અને ગરીબવર્ગોના લોકોની જમીનો જૂની શરતમાં ફેરવવાના હુકમો મેળવવા વર્ષોનો સમય રાહ જોવી પડે છે, તે પરિસ્થિતિ નિવારી શકાય. અદાલતના મહેસૂલ વિભાગના ચુકાદાઓ જે સરકારની તરફેણમાં હોય કે વિરુદ્ધમાં હોય તેવા અગત્યના ચુકાદાના સારાંશ તૈયાર કરીને જિલ્લા કચેરીઓ, તાલુકા કચેરીઓ અને ગ્રામ પંચાયત કક્ષા સુધી આપવાની માગણી કરી છે. તેનાથી લોકોમાં અને અધિકારીઓમાં પણ જાગૃતિ વધશે અને ઝડપી નિર્ણય આપવામાં સહાય થશે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer