માતાના મઢ નવરાત્રિ બેઠક ન યોજાતાં દ્વિધા

માતાના મઢ નવરાત્રિ બેઠક ન યોજાતાં દ્વિધા
દયાપર (તા. લખપત), તા. 23 : જ્યાં દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. લાખો શ્રદ્ધાળુઓ તો પગપાળા ચાલીને મા આશાપુરાને શીશ નમાવે છે, તે મહત્ત્વના તીર્થધામ માતામા મઢમાં શ્રાદ્ધના ત્રણ દિવસ પછીય કોઇ સરકારી મિટિંગ કે ગાઇડ લાઇન નક્કી ન થતાં ગ્રામ પંચાયત, વેપારીઓ, શ્રદ્ધાળુઓ અને જાગીર ટ્રસ્ટ મુશ્કેલીમાં મુકાયા છે કે વ્યવસ્થા શું કરવી ? શું છે છેલ્લી ગાઇડ લાઇન....? આજે માતાના મઢ ગ્રામ પંચાયતના સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજાએ મામલતદારને લેખિતમાં આ બાબતે રજૂઆત કરતાં જણાવ્યું કે, કોરોનાની સામે હાલના તબક્કે સરકારની ગાઇડ લાઇન શું છે ? મેળો યોજવો કે નહિં, વેપારીઓને સ્ટોલ ફાળવવા કે બીજી પાણી, સફાઇ, વીજળી જેવી પ્રાથમિક વ્યવસ્થા ઊભી કરવી કે કેમ તેની દ્વિધા છે. કારણ કે સરકારી અધિકારીઓની નાયબ કલેકટરના અધ્યક્ષસ્થાને આશ્વિન નવરાત્રિ આગળ મિટિંગ યોજાતી હોય છે, જેમાં ગ્રામ પંચાયત વીજળી, પાણી, જાગીર ટ્રસ્ટના તમામ જવાબદારો આ મિટિંગમાં હાજર હોય છે, પરંતુ આ વખતે આવી કોઇ મિટિંગ યોજાઇ નથી. તો શું નિર્ણય લેવો ? તેની શું વ્યવસ્થા કરવી ? તેવી રજૂઆત ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જાડેજાએ પત્રમાં કરી છે. કારણ કે ગત વર્ષે કોરોના હોતાં કોઇ પ્લોટ ફાળવણી થઇ નથી, પરંતુ તેના આગળના વર્ષે 250 જેટલી દુકાનો માટે પ્લોટ ફાળવાયા હતા અને તે દ્વારા ગ્રામ પંચાયતને પણ આવક થાય છે અને યાત્રિકોને ખરીદી માટે સુવિધા મળે છે. આ દુકાનો કાર્યરત થાય તે માટે તેને પાણી, વીજળી, સફાઇ વિગેરેની વ્યવસ્થા માટે ગ્રામ પંચાયતને 15 દિવસ પહેલાં તૈયારી કરવાની હોય છે પરંતુ હજુ સુધી કોઇ નિર્ણય ન આવતાં સ્થાનિક વેપારીઓ અને બહારથી ધંધાર્થે આવતા વેપારીઓ વારંવાર ફોન કરીને પૂછા કરે છે તેને શું જવાબ આપવો તે પ્રશ્ન છે. બીજી બાજુ માતાના મઢ જાગીર ટ્રસ્ટના ટ્રસ્ટી પ્રવીણસિંહ વાઢેરનો સંપર્ક કરતાં તેમણે કહ્યું હતું કે, હાલની આશ્વિની નવરાત્રિ માટે તા. 21-9ના સરકારી મિટિંગનું આયોજન કરાયું હતું અને અમે ટ્રસ્ટીઓ અહીં આવ્યા  પણ હતા, પરંતુ પ્રાંત અધિકારીની તબિયત બગડતાં તેમનો ફોન આવ્યો હતો કે, તેઓ ભુજ દવા લેવા જાય છે અને તેમને નાનું એવું ઓપરેશન પણ થતાં હવે બેસવામાં તકલીફ પડે છે. જ્યાં સુધી વહીવટ તંત્રની યોગ્ય સૂચના ન મળે ત્યાં સુધી અમારે પણ વ્યવસ્થા ઊભી કરવામાં તકલીફ પડી રહી છે. જો કે અંબાજી મંદિરે પણ ભાદરવાની પૂનમે દર્શનાર્થીઓ માટે છૂટ હતી તેમ આ વર્ષે સરકાર દર્શન માટે છૂટ આપશે જ, મંદિર ખુલ્લું રહેશે. ભોજન પ્રસાદની વ્યવસ્થા પણ રહેશે. હવે મોટો પ્રશ્ન એ છે કે લોકોને રાત્રિ રોકાણ માટેની, ઓતારાની વ્યવસ્થા કદાચ બંધ રહે કે ચાલુ રહે તે નિર્ણય અધિકારીઓ જ બતાવી શકે. હાલમાં લગભગ પદયાત્રીઓ માટે સેવા કેમ્પની મંજૂરી ના પણ મળે, છતાં દર્શનાર્થીઓની સંખ્યા તો રહેશે જ. આજે જ પ્રાંત અધિકારીને ફોન પર શ્રી વાઢેરે સરકારની ગાઇડ લાઇન અંગે પૂછપરછ કરી હતી, જેમાં ત્વરિત મિટિંગનું આયોજન કરાય તેવી  માંગ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓ પાસે હજુ કોઇ માહિતી પહોંચી નથી, તેથી અવઢવમાં છે. માતાના મઢ જવું કે કેમ ? જો પાછળના ગેટ પાસે થોડા સ્ટોલ ઊભા કરાય તેમાં ફક્ત પ્રસાદી, ચૂંદડી જેવી વસ્તુઓની છૂટ મળે તો પણ શ્રદ્ધાળુઓને આનંદ થાય. દૂરથી આવતા દર્શનાર્થીઓને રોકાવા માટેની વ્યવસ્થા અંગે પણ જલદી નિર્ણય લેવાય તો દર્શનાર્થીઓ પણ તેનું યોગ્ય આયોજન કરી શકે...! બીજી બાજુ એસ.ટી. બસની શું સુવિધા હશે ? દર વર્ષની જેમ કન્ટ્રોલ પોઇન્ટ માતાના મઢ ખાતે ઊભો કરાશે કે કેમ ? તેની  પણ જલદીથી જાહેરાત કરાય તો લોકો પણ તે પ્રમાણે આયોજન ગોઠવી શકે. દિવસો હવે નજીક છે. તા. 6-10ના રાત્રે 8-30 વાગ્યે જાગીર અધ્યક્ષ યોગેન્દ્રસિંહ રાજાબાવાના હસ્તે ઘટ સ્થાપન થશે. તા. 7-10ના નવરાત્રિ પ્રારંભ, તા. 12-9ના રાત્રે જગદંબા પૂજન, હોમ હવન, રાત્રે 1-30 વાગ્યા શ્રીફળ હોમ અને 13-9ના રાજપરિવાર દ્વારા  પત્રી વિધિ થશે. હજુ સુધી નિર્ણય ન લેવાતાં મોટી સંખ્યામાં આવતા પદયાત્રીઓની વ્યવસ્થા કેમ ગોઠવવી તે પ્રશ્ન છે. સરકારી તંત્ર જલદી નિર્ણય લે  અને નવરાત્રિ પહેલાં રવાપરથી માતાના મઢનો રસ્તાનું યુદ્ધના ધોરણે કામ પૂરું કરાય, ડામર કામ થઇ જાય તેવી શ્રદ્ધાળુઓને આશા છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer