ગાંધીધામ તાલુકાનાં વિકાસકામો બહાલ

ગાંધીધામ તાલુકાનાં વિકાસકામો બહાલ
ગાંધીધામ, તા. 23 : અહીંની તાલુકા પંચાયત કચેરી  ખાતે ફરી એક વખત ખાસ સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 15મા નાણાપંચ અંતર્ગત વર્ષ 2021-22 તાલુકા કક્ષા 20 ટકા ગ્રાન્ટનાં કામોને બહાલી આપવામાં આવી હતી.તાલુકા પંચાયત કચેરી ખાતેની ખાસ સામાન્ય સભામાં ગત બેઠકોની કાર્યવાહી નોંધનું વાંચન, બહાલી તથા અગાઉની સભામાં લીધેલા ઠરાવોનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. 15મા નાણાપંચ અંતર્ગત વર્ષ 2021-22 તાલુકા કક્ષા 20 ટકા ગ્રાન્ટનાં કામોમાં માળખાંકીય વિકાસ, પાણી પુરવઠા, સફાઇ, શિક્ષણ, આરોગ્ય મહિલા અને બાળ વિકાસ વગેરે કામો લેવામાં આવ્યાં હતાં. કિડાણા ગામે રબારીવાસ, મુસ્લિમવાસ, આહીરવાસ, કોળીવાસ વિસ્તારોમાં એલઇડી લાઇટ લગાવવાનું કામ, ગળપાદર ગ્રામ પંચાયત માટે કોમ્પ્યુટર સેટ, પ્રિન્ટર, સ્કેનર, વોટરકૂલર વગેરેનું કામ, ગળપાદરમાં જ આહીરવાસ, દરબારવાસ, સોસાયટી વિસ્તારમાં સીસીટીવી કેમેરા લગાવવાનું કામ, અંતરજાળમાં અર્બુદા નગરમાં પાણીની લાઇન, કિડાણામાં ગૌશાળાની લક્ષ્યનગર સુધી પાણીની લાઇન, કિડાણામાં પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ બનેલાં મકાનોનાં પાણી, કિડાણાની જગદંબા, યોગેશ્વર ભૂકંપનગર, પૃથ્વીનગર, સોસાયટીઓ માટે પાણીના ટાંકાની  બાજુમાં બોર બનાવવાનું કામ, શિણાય ખાતે ડોર ટુ ડોર કચરો એકત્ર કરવા વાહનની ખરીદી, મીઠી રોહરમાં લોખંડની કચરાપેટી લગાવવાનું કામ, ખારી રોહર ગામે વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ ડ્રેનેજનું કામ, પંચાયત કચેરી પાસે સાર્વજનિક શૌચાલય, શિણાયની કન્યાશાળામાં લેબ બનાવવાનું કામ, કિડાણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં પેવર બ્લોકનું કામ, મીઠી રોહરમાં આંગણવાડી બનાવવાનું કામ, ગળપાદર ગ્રામ પંચાયત કચેરી ખાતે સોલાર ટ્રફટોપનું કામ, અંતરજાળ તળાવની પાળે વૃક્ષો માટે પાણીની લાઇનનું કામ વગેરે કામો આ 20 ટકા ગ્રાન્ટનો કામોમાં લેવામાં આવ્યાં હતાં, જેને આજે બહાલી આપવામાં આવી હતી. તેમજ તાલુકા પંચાયત કચેરી તોડવાનું જણાવતાં વિરોધ પક્ષના નેતા અલ્પેશ ઝરૂએ તેનો વિરોધ કર્યો હતો અને મકાન વિભાગના ઇજનેરનો અભિપ્રાય લીધા બાદ આગળ વધવા જણાવ્યું હતું તેમજ હવે ખાસ નહીં, પણ નિયમિત સામાન્ય સભા બોલાવવાનું જણાવાતાં ટૂંક સમયમાં સામાન્ય સભા બોલાવવાનું જણાવાયું હતું. આ બેઠકમાં તાલુકા પંચાયત પ્રમુખ ભરતસિંહ જાડેજા, તાલુકા વિકાસ અધિકારી પિન્કીબેન ચૌધરી તથા તાલુકા પંચાયતના સભ્યો અને પંચાયતના કર્મચારીઓ હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer