ભુજમાં 59 હજારના શરાબ સાથે રખેવાળી કરતો તરુણ ઝડપાયો

ભુજમાં 59 હજારના શરાબ સાથે રખેવાળી કરતો તરુણ ઝડપાયો
ભુજ, તા. 23 : શહેરમાં ભુજિયા રિંગરોડ ખાતે બાતમીના આધારે સ્થાનિક બી. ડિવિઝન પોલીસે કાર્યવાહી હાથ ધરીને રૂા. 58800ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી પ્રકારના શરાબ સાથે કિશોર વયના એક છોકરાને પકડી પાડયો હતો. અલબત્ત આ દરોડા સમયે મુખ્ય આરોપી ભુજનો અંકુર જોશી હાથમાં આવ્યો ન હતો.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ભુજિયા રિંગરોડ ઉપર ભારત સર્વિસ સ્ટેશનની પાછળની ગલીમાં કાસુભાઇના વાડા પાસે ખુલ્લી જગ્યામાં આ દરોડો સહાયક ફોજદાર પંકજ કુશવાહને મળેલી બાતમીના આધારે પડાયો હતો. આ સ્થળેથી દારૂની પેટીઓની રખેવાળી કરી રહેલા તરુણ વયના એક છોકરાને પકડાયો હતો. જયારે માલ રાખનારો ભુજનો અંકુર જોશી હાથમાં આવ્યો ન હતો. આ તહોમતદારને પકડવા માટેના પ્રયાસો પોલીસે અવિરત રાખ્યા છે. પકડાયેલા તરુણનીપૂછતાછમાં અંકુરનું નામ બહાર આવ્યું હતું.  કાર્યવાહીમાં શરાબની 168 બાટલી કબ્જે કરાઇ હતી. આ જથ્થાની કિંમત રૂા. 58800 અંકારવામાં આવી છે. તો એક મોબાઇલ ફોન અને એક મોપેડ પણ કબ્જે લેવામાં આવ્યા હતા. ઇન્સ્પેકટર આર.ડી. ગોજિયાની રાહબરીમાં સ્ટાફના મયૂરસિંહ જાડેજા, પૃથ્વીરાજસિંહ જાડેજા વગેરે સભ્યો કામગીરીમાં જોડાયા હતા.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer