મુંદરામાં રાજ્યનું સૌથી મોટું જમીન કૌભાંડ

મુંદરા, તા.23 : મુંદરા અને બારોઈની કુલ રૂા. 80 કરોડની જમીનને સરકારી રગશિયા ગાડામાં ફેરવવામાં ભૂમાફિયાઓ સફળ થયા છે ત્યારે 37 જેટલી  પ્રાઈમ લોકેશનવાળી સરકારી જમીન ગેરકાયદેસર રીતે આકારણી રજિસ્ટરમાં ચડાવી અને એના આધારે અન્યને વેંચી તથા ગેરકાયદેસર બાંધકામની મંજૂરી મેળવી બાંધકામ પણ થઈ ગયા છે તેની તપાસની માંગ ઊઠી છે.નગરપાલિકાની સામાન્ય સભામાં સર્વાનુમત્તે માત્ર સોગંદનામાના આધારે સરકારી જમીનને ખાનગી માલિકીની જમીન બતાવવામાં આવી છે એ પ્રોપર્ટીના નામ આકારણી રજિસ્ટરમાંથી નામ કમી કરવા અને ગટર-પાણી-લાઈટના જોડાણ કાપી નાખવાનો ઠરાવ થયો હોવા છતાં ચીફ ઓફિસર અમલ કરતા નથી, જે સોગંદનામાના આધારે સરકારી જમીનને ખાનગી મિલકત બતાવવામાં આવી છે. સોગંદનામા નવેમ્બર - ડીસેમ્બર?-2020ના થયા છે. નગરપાલિકાના સૂત્રધારોએ કલેકટર સમક્ષ રૂબરૂ જઈ રજૂઆત કરી હતી કે ભૂમાફિયાઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે, જેના અનુસંધાને 37 પૈકી માત્ર 4 પ્રોપર્ટીધારકોને નોટિસ આપવામાં આવી અને બાકીના 33 પ્રોપર્ટી ધારકોને હવે પછી નોટિસો આપવામાં આવશે તેવું કહી મામલાને શાંત પાડવાની કોશિશ થઈ છે.દરમ્યાન જિ.પં.ના પૂર્વ સદસ્ય જત સલીમએ કલેકટરને ફરીથી પત્ર લખી જણાવ્યું છે કે મુંદરાનું આ જમીન કૌભાંડ ગુજરાત રાજ્યનું અભૂતપૂર્વ કૌભાંડ છે. લૂંટાયેલી સરકારની કિંમતી જમીનો મુક્ત કરાવવા જડબેસલાક ત્વરિત કાર્યવાહી થવા -?તળિયાથી ટોચ સુધી સંકળાયેલા કલાર્કથી અધિકારી સુધી અને ભોગ બનનાર સામાન્યજનથી મોટા રાજકીય વગ અને સતાપક્ષની હૂંફ ધરાવતા તમામને તપાસના દાયરામાં સામેલ કરવા, ચાલી રહેલા  બાંધકાઓ બંધ કરાવવા અને દબાણ કરેલી જમીન ખુલ્લી કરાવવા અને જવાબદારો સામે લેન્ડ ગ્રેબિંગ એક્ટ તળે કાર્યવાહી થવા માગણી કરી હતી. ખુદ નગરપાલિકાના સૂત્રધારો પણ જણાવે છે કે 100 કરોડથી વધુ રકમનું જમીન દબાણ થયું છે, ઉપરાંત જેમણે જે-તે સમયે સરકારી જમીન પાવરનામાના આધારે પોતાના નામે કરી લીધી છે અને એવી જમીન ઉપર ખૂબ મોટા બાંધકામની મંજૂરી પણ મેળવી લીધી.સમગ્ર પ્રકરણમાં કરોડો રૂપિયાનો અદ્ધરનો વ્યવહાર થયો છે અને એક દુકાનની કિંમત જ્યાં પ0 લાખ છે એવા મોકાના સ્થળોએ અંદાજે પ00 કરોડ રૂા.ની બજાર કિંમત ધરાવતી મિલકતો ઊભી થઈ જશે. 37 પૈકી માત્ર 4ને જ નોટિસ ઈસ્યુ થઈ છે. ચીફ ઓફિસર નગરપાલિકાના સર્વાનુમતે થયેલા ઠરાવની અમલવારી કરતા નથી અને સત્તાપક્ષના પદાધિકારીઓ લાચારી અનુભવી રહ્યા છે તેવું તેમણે પત્રમાં જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer