યક્ષ મંદિર પાછળનો પુલ જર્જરિત અને જોખમી

યક્ષ મંદિર પાછળનો પુલ જર્જરિત અને જોખમી
વિથોણ (તા. નખત્રાણા), તા. 17 : તાલુકામાં યક્ષ મંદિર પાછળ નદી ઉપરનો પુલ જર્જરિત થયો છે. અકસ્માતની ભીતિ વચ્ચે પુલની બંને પાળ જાણે ભગવાન ભરોસે ઊભી છે.ભુજ-નખત્રાણા હાઇવે પર આવેલા યક્ષ મંદિરની પાછળ નદી ઉપર 1999માં બનેલા આ પુલની હાલત દયનીય છે. પુલના તળિયામાં તિરાડો જોવા મળે છે અને પુલની બંને બાજુ બનાવેલી સુરક્ષા માટેની પાળીઓ કાટમાળ જેવી બની ગઇ છે.તંત્રની બેદરકારીને કારણે કોઇ મોટી દુર્ઘટના થાય તો નવાઇ નહીં લાગે તેવું ગ્રામજનો કહે છે. બીજી બાજુ સુખપરથી નખત્રાણા સુધીનો માર્ગ ઠેર ઠેર ખાડાથી બદતર હાલતમાં છે. 40 કિ.મી. માર્ગમાં બે ટોલ નાકા આવેલા છે અને જેના માટે ટોલ લેવામાં આવે છે તે ટોલ નાકા નજીક ખાડા જોવા મળે છે. માર્ગની ખરાબ હાલતને કારણે છાશવારે નાની-મોટી દુર્ઘટનાઓ સર્જાય છે. કોઇ જીવલેણ અકસ્માત સર્જાય તે પહેલાં માર્ગનું અને પુલનું સમારકામ કરવું ખૂબ જ જરૂરી છે તેવું ગ્રામજનો જણાવે છે.માર્ગની બંને બાજુએ ગાંડા બાવળનું અતિક્રમણ ઊભું થયું છે, જેનાં કારણે દ્વિચક્રી વાહનોને ખૂબ જ તકેદારી રાખવી પડે છે. બાવળની કાંટાદાર ડાળીઓ રાત્રિમાં ખતરો બની જાય છે, સામેથી આવતાં વાહનોની લાઇટોમાં નાનાં વાહનો માટે આફત બની રહે છે. લોકોની અને વાહનચાલકોની માંગ છે કે વહેલી તકે માર્ગના ખાડા પૂરાય અને બાવળની કટિંગ કરવામાં આવે.વરસાદ પછી આ માર્ગ વધુ ઉબડખાબડ બની ગયો છે. અનેક જગ્યાએ ડામરના પડ ઉખડી ગયા છે અને કાંકરીઓ રસ્તા ઉપર પથરાઇ ગઇ છે. માનકૂવા, સામત્રા, દેશલપર, માજીરાઇ, મંજલ, પુંઅરેશ્વર, યક્ષ મંદિર, દેવપર, ધાવડા વિસ્તારના માર્ગ ઉપર ભયજનક ખાડા પડી ગયા છે. આ માર્ગ બાબતે તા. પંચાયતના પ્રમુખ જયસુખભાઇ પટેલને અવગત કરાયા છે. તેમણે સંબંધિત તંત્રને ફોનથી અવગત કર્યા છે અને બે દિવસમાં માર્ગનું કામ કરવામાં આવશે તેવું જણાવ્યું છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer