નોકરીનાં બહાને ઠગાઇ કેસમાં પોલીસની વધુ રિમાન્ડ માટેની અરજી રદ કરાઇ

ભુજ, તા. 17 : કંડલા પોર્ટ ટ્રસ્ટમાં નોકરીએ લગાડી દેવાની લાલચ આપી રૂા. 1.85 કરોડની નાણાકીય છેતરપિંડી થવાના કેસમાં પકડાયેલા આરોપી માટે પોલીસે કરેલી રિમાન્ડ માટેની અરજી અદાલતે રદ્દ કરી હતી. તો બીજીબાજુ ભુજના ચર્ચાસ્પદ છેતરપિંડી-વિશ્વાસઘાત કેસમાં  આરોપીના આગોતરા જામીન મંજૂર કરવામાં આવ્યા હતા.કંડલા પોર્ટની નોકરીના બહાને નાણાકીય ઠગાઇ કરવાના કેસમાં આરોપી ઇમરાન કાસમ શેખની ધરપકડ બાદ તેના રિમાન્ડ મેળવાયા હતા. પોલીસે વધુ સાત દિવસના રિમાન્ડની માગણી કરી હતી, જેને અદાલતે રદ્દ કરી હતી. આ સમગ્ર મામલામાં પોલીસની કાર્યવાહી અને વર્તણૂક પણ પુરાવા સાથે સપાટીએ આવી હતી. સુનાવણીમાં આરોપી વતી વકીલ તરીકે ઘનશ્યામ ગોર, હિમાંશુ શુક્લ અને વિનોદ વેકરિયારહ્યા હતા.બીજીબાજુ ભુજના ડો. નસીમ મોહમ્મદ લાહેજીએ રૂા. 25.50 લાખની છેતરપિંડી-વિશ્વાસઘાત બાબતે લખાવેલી ફરિયાદમાં આરોપી દાદુભા જેમલજી ચૌહાણની આગોતરા જામીન અરજી અદાલતે મંજૂર કરી હતી. આ સુનાવણીમાં શ્રી ચૌહાણના વકીલ તરીકે દેવાયત એન. બારોટ, ઉમૈર સુમરા, રામ ગઢવી, રાજેશ ગઢવી, એલ. એલ. કારિયા અને ખીમરાજ એન. ગઢવી રહ્યા હતા.- બળાત્કારના કેસમાં જામીન : ભુજ શહેરમાં નોંધાયેલા બળાત્કાર અને ગર્ભ રાખી દેવાના મામલામાં અપહરણ સહિતની કલમો તળે નોંધાયેલા ગુનામાં આરોપી હનીફ ઉર્ફે હનિયો નૂરમામદ સમા (ભુજ)ને જામીન મુક્ત કરવામાં આવ્યો હતો. પ્રિન્સિપાલ સેશન્સ જજે આ  ચુકાદો આપ્યો હતો. આરોપીના વકીલ તરીકે એ. આઇ. કુરેશી અને આસિફઅલી એ. અંસારી રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer