ઉદ્યોગગૃહો સામાજિક ફંડ સાર્વજનિક કાર્યોમાં વાપરે તો તેનાં સારાં પરિણામો જોવા મળે

ઉદ્યોગગૃહો સામાજિક ફંડ સાર્વજનિક કાર્યોમાં વાપરે તો તેનાં સારાં પરિણામો જોવા મળે
રાયધણપર (તા. ભુજ), તા. 17 : દરેક ઉદ્યોગગૃહો પોતાનું સામાજિક ફંડ બી.કે.ટી. કંપનીની જેમ સાર્વજનિક કામો માટે વાપરે તો ખૂબ સારું પરિણામ મળી શકે તેવી અપીલ સાથે તાલુકાના લાખોંદ ગામની સીમમાં શ્રી જખદાદા મંદિર સંકુલ ખાતે બી.કે.ટી. દ્વારા નિર્મિત શેડનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના મુખ્ય મહેમાન અમૂલ ફેડરેશનના વાઈસ ચેરમેન અને સરહદ ડેરીના ચેરમેન વલમજીભાઈ હુંબલે વક્તવ્ય આપતા જણાવ્યું કે, ઉદ્યોગગૃહો પોતાના સામાજિક ફંડનો ઉપયોગ સાર્વજનિક કાર્યોમાં પારદર્શી રીતે કરીને સારા પરિણામ આપી શકે છે તેનું બાલકૃષ્ણ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (બી.કે.ટી.) એક ઉદાહરણરૂપ છે. બી.કે.ટી.એ ગ્રામ્ય વિસ્તારમાં કરેલા કાર્યોની શ્રી હુંબલે સરાહના કરી હતી. જખદાદા મંદિર સંકુલ ઉપરાંત લાખોંદ ગામમાં મહેશ્વરી સમાજવાડીનો શેડ પણ કંપની દ્વારા બનાવી આપવામાં આવતા તેનું પણ આ પ્રસંગે લોકાર્પણ કરાયું હતું. જખદાદા વિકાસ સમિતિ અને ગામલોકો દ્વારા બી.કે.ટી. કંપનીના સી.એસ.આર. હેડ પી.આર. પંડયા અને ડી.ડી. રાણાને મોમેન્ટોથી વિશેષ સન્માનિત કરાયા હતા. અલ્કેશ ભટ્ટે સહયોગ આપ્યો હતો. કચ્છ જિલ્લા પંચાયત શાસક પક્ષ નેતા હરિભાઈ જાટિયા, યુવા ભાજપ અગ્રણી રણછોડ વાસણભાઈ આહીર, પદ્ધરના માજી સરપંચ મેપાભાઈ આહીર વગેરેએ પ્રાસંગિક વક્તવ્ય આપી સામાજિક કાર્યોમાં કંપનીના યોગદાનને બિરદાવ્યું હતું. દરમ્યાન, કચ્છ જિલ્લા પંચાયતના અધ્યક્ષા પારૂલબેન કારા અને ભુજ તા. પંચાયતના માજી ચેરમેન કંકુબેન ચાવડા પણ કાર્યક્રમમાં ઉપસ્થિત થતા તેમના હસ્તે લોકાર્પણ તક્તીનું અનાવરણ કરાયું હતું. કંપનીના સી.એસ.આર. હેડ પી.આર. પંડયાએ સામાજિક સેવામાં કંપની કટિબદ્ધ હોવાની ખાતરી આપી હતી. ભુવા શંભુભાઈ, ભુવા માદાભાઈ, પદ્ધર વિભાગ આહીર સમાજના પ્રમુખ દેવજીભાઈ ચાવડા, યુવા ભાજપના અરવિંદ ચાવડાનું સન્માન કરવામાં આવ્યું હતું. સંચાલન લાખોંદના માજી સરપંચ અશોકભાઈ બરાડિયાએ, આભારવિધિ યુવક અગ્રણી રવજીભાઈ ચાવડાએ કરી હતી. જખદાદા વિકાસ સમિતિના સભ્યો અને આ સંકુલમાં શ્રમદાન આપનાર તમામ યુવાનો-ગામલોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer