ભચાઉમાં કતલનખાને પશુ લઈ જવાની શંકા રાખી બે જણને માર મરાયો

રાપર, તા. 17 : ભચાઉ શહેરની ભાગોળે ધોરીમાર્ગ ઉપર મોડી રાત્રિના અરસામાં અજાણ્યા શખ્સોએ બે જણ ઉપર હુમલો કર્યો  હોવાનો બનાવ પોલીસ ચોપડે નોંધાયો છે.પોલીસના સત્તાવાર સાધનો પાસેથી મળતી વિગતો મુજબ આ બનાવ યુરો સિરામિક કંપનીની સામે ગત રાત્રિના 12.30 વાગ્યાના અરસામાં બન્યો હતો. આ મામલે પોલીસે અલ્લારખા નૂરમામદ જત (રહે. છરી, તા. નખત્રાણા)એ બાઈક ઉપર આવેલા ચાર અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદી બે ભેંસ અને બે બચ્ચાં લઈને બોલેરો જીપકારમાં જતા હતા. આ દરમ્યાન બાઈક ઉપર આવેલા અજાણ્યા શખ્સોએ રોકીને ફરિયાદીને લાકડીથી માર માર્યો હતો, જ્યારે તેના નાના ભાઈને લાફા માર્યા હતા.આરોપીઓએ પશુઓને કતલખાને લઈ જતા હોવાની શંકા રાખી  માર માર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. દરમ્યાન આ બનાવ દરમ્યાન રોકડ રકમ અને મોબાઈલ ફોનની લૂંટ કરાઈ હોવાની પણ ચર્ચા થઈ હતી. જો કે, ફરિયાદમાં લૂંટનો કોઈ ઉલ્લેખ નથી. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer