ડીપીટી કર્મીઓને ખાનગી માન્ય હોસ્પિટલોમાં કેશલેસ સુવિધા નહીં મળતાં સંગઠન ખફા

ગાંધીધામ, તા. 17 : દિનદયાળ પોર્ટ ટ્રસ્ટના કર્મચારીઓ માટે આરોગ્યલક્ષી સારવાર માટે નિર્ધારિત કરાયેલી ખાનગી હોસ્પિટલ દ્વારા   દર્દીઓને કેશલેસ  સુવિધા ન   અપાતા  ટ્રાન્સપોર્ટ એન્ડ ડોક વર્કર્સ યુનિયન  -કંડલા(એચ.એમ.એસ) દ્વારા  ચેરમેન સમક્ષ રજૂઆત કરાઈ હતી.એચ.એમ.એસ. સંગઠનના પ્રમુખ એલ. સત્યનારાયણે લેખિત  રજૂઆત કરતા એક પત્રમાં જણાવ્યુ હતુ કે  દિનદયાળ પોર્ટની ટ્રસ્ટની હોસ્પિટલમાં સારવાર ન થઈ શકતી  તેવા લાભાર્થીઓને  રેફરલ હોસ્ટિલમાં મોકલવામાં આવતા હોય છે.  ઓર્થોપેડીક સંલગ્ન કેસો માટે જૈન સેવા સમિતિ હોસ્પિટલ આદિપુર અને  પટેલ હોસ્પિટલનો સમાવેશ કરાયો છે. તાજેતરમાં ડીપીટી કોલોનીમાં ડી-52માં રહેતા  કલાસ 2 માસ્ટર સહદેવસિંગના પત્ની પડી જવાથી તા.11/9 નાઈજાગ્રસ્ત થયા હતા. ડીપીટી સી.એમ.ઓ. દ્વારા તેમને  જૈન સેવા સમિતિની હોસ્પિટલમાં સારવાર માટે રીફર કરાયા હતા. પરંતુ હોસ્પિટલમાં દાખલ કરવાની સાથે હોસ્પિટલ સંચાલક મંડળ દ્વારા એડવાન્સ નાણા જમા કરવામાં  કહેવામાં આવ્યુ હતું. ત્યારબાદ  જુદા-જુદા  પરીક્ષણો અને સારવાર શરૂ કરાઈ હતી. ડીપીટી દ્વારા આ હોસ્પિટલો સાથે કેશલેસ સારવાર માટે કરાર કરવામાં આવ્યો છે. તેમ છતાં  હોસ્પિટલ દ્વારા  નાણા  જમા કરવાનો આગ્રહ  રાખવામાં આવે છે.પ્રશાસન દ્વારા કર્મચારીઓ, વર્કરોને  દરેક રીફર હોસ્પિટલોમાં કેશલેસ સારવારની  સુવિધા આપવામાં આવે છે. અલબત  રીફરલ હોસ્પિટલો દ્વારા  આ સેવાનો લાભ લાભાર્થીઓને આપવામાં આવતો નથી. આ અંગે યોગ્ય કરવા  તેમણે માંગ કરી હતી.  

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer