તાલુકાના 21 પૈકી પાંચ ડેમો લહેરાવા મંડયા

તાલુકાના 21 પૈકી પાંચ ડેમો લહેરાવા મંડયા
દેવેન્દ્ર વ્યાસ દ્વારા - માંડવી, તા. 14 : આ સપ્તાહ દરમ્યાન ભારે ઝાપટાં કે અમીછાંટણારૂપે મહેર વરસાવતા મેઘરાજાએ ગત રાત્રે (દોઢેક ઇંચ) 40 મિ.મી. વડે ધરતીને નવડાવ્યા પછી આજે દિવસ દરમ્યાન આણ બરકરાર રાખી ઢળતા બપોર સુધી વધુ એક ઇંચ લહેર કરાવી  મોસમનો એકંદર આંકડો 385 મિ.મી. (સાડા પંદર ઇંચ) નોંધાવી દીધો હતો. શહેરની શાનસમા ટોપણસરમાં મંદ ગતિએ પાલર પાણીની `આવ' જીવતી થઇ હતી. ભાદરવાના ભૂસાકાને બદલે શ્રાવણી માહોલ સર્જી પધારેલા પાછોતરા વર્ષારાણીએ તાલુકાના 21 પૈકી પાંચ ડેમોમાં નવાં નીરનો ઇજાફો કરાવ્યો હોવાનું સિંચાઇ વર્તુળોમાંથી જાણવા મળ્યું હતું. કાંઠાળ પટ્ટી પર પણ દોઢથી બે ઇંચ પાણી વરસતાં ખેડૂતો ગેલમાં આવી ગયા છે. કેલેન્ડરના કાંટા પાછા ફેરવ્યા હોય તેમ આષાઢ-શ્રાવણ જેવી મીઠી મહેર કરનારા મેઘરાજા મહદઅંશે અઠવાડિયાથી વણથંભ્યા રહેતાં સૂર્યદર્શન દુર્લભ રહ્યાં છે. ફુવાર કે હળવાં-ભારે ઝાપટાંને પરિણામે ધરતી માંડ વા-સૂકી થાય, ના થાય ત્યાં ધરતીને ધવડાવતાં ટોપણસરના બે કૂવાઓ સિવાયના કૂવા ડૂબમાં આવી ગયા છે. આંતરમાર્ગો ઉપરથી પાલર પાણી અવાંતરે વહેતાં રહ્યાં છે. ત્રાટક દાવ નહીં હોવાથી અપ્રિય ઘટનાના વાવડ-ફરિયાદ જાણવા  મળ્યા નથી. તાલુકાની ત્રણેય દિશાએ ઉગમણી, આથમણી, ઉત્તરાદિ પટ્ટીના પંથકમાં ઓછા-વધુ ફેર સાથે વરસાદી વાવડ મળ્યા છે. તાલુકાના સિંચાઇ વિભાગના ના. ઇજનેર સુનીલભાઇ ગોસ્વામીએ આપેલી જાણકારી પ્રમાણે પ્રવાસનના પરિપ્રેક્ષ્યમાં આકર્ષતાં જળાશય વિજય સાગરમાં (33 ફૂટની ક્ષમતા) 17 ફૂટની સપાટી અઢી ઇંચ ઊંચકાઇ સાડા ઓગણીસ ફૂટે પહોંચી છે. રાજડા (24 ફૂટ), વણોઠી (25 ફૂટ) તળિયે હતા ત્યાં અનુક્રમે પાંચ અને બે ફૂટ નવાનીર આવ્યાં છે. શેરડી (ખારોડ) ડેમ (29 ફૂટ)માં 8 ફૂટે પાણી હતું ત્યાં પાંચ ફૂટ સપાટી વધી છે. ઘોડાલાખ (8.6 ફૂટ) તળિયે હતો તેમાં ચાર  ફૂટ પાલર પાણી ઠલવાયું છે. આ સિવાયના 16 ડેમોમાં પરિસ્થિતિમાં ગુણાત્મક ઇજાફો નથી. ભૂતળ સુધરી રહ્યાં છે. કૂવાઓ રિચાર્જ થઇ રહ્યા હોવાની વિગતો મળી છે, પરંતુ સિંચાઇ હેતુસર પાણી ઉપલબ્ધ કરાવાય એટલી આવક નહીં હોવાનું વર્તુળોએ કહ્યું હતું. જો કે આળંગ ઓછો નહીં હોવાથી એંધાણ આશાસ્પદ હોવાનું કહેવાય છે. ડોણ પંથકમાં દોઢેક ઇંચ વરસાદના વાવડ આપતાં ખીમજીભાઇ ધનજી કેરાઇએ કહ્યું કે કપાસના પાકને મોટું નુકસાન થઇ રહ્યું છે. ઘાસચારાનો પ્રશ્ન હલ થયો છે. મગફળીને લાભાલાભ નથી. ડેમ-તળાવ ભરાય તો ભયો ભયો ! ભૂતળ સુધરે છે એ મોટી કૃપા છે. ડોણ, રાજડા, ભાડઇ, રાયણ વિસ્તારમાં એક-સવા દોઢ ઇંચની જાણકારી મળી છે. બિદડાથી સૈયદ ગુલામ મુસ્તફાએ આપેલી વિગતો મુજબ રાત્રે સારી `છક્કી' અને આજે દોઢેક ઇંચ વરસાદ બિદડા, ખાખર, ફરાદી, પીપરી પંથકમાં પડયો છે. જમાવટ જારી છે. નાના આસંબિયાથી ભરતસિંહ જાડેજાએ કહ્યું કે, નાના-મોટા આસંબિયા, ગોણિયાસર, પુનડી પંથક ન્યાલ થયો છે. કપાસને હાનિ, મગ-તલીને નુકસાનીની સંભાવના, ભૂતડી, એરંડિયાને કેટલીક લાભકારી પાછોતરી પધરામણી થશે. પશુધન પીડામાંથી ઉગરી ગયું તે મોટી વાત છે. મંજલથી વિક્રમસિંહ જાડેજાએ હમલા, મંજલ, પ્યાકા, નાના-મોટા રતડિયા, ગાંધીગ્રામ પંથકમાં પોણે ઇંચ- સવા ઇંચનો અંદાજ આપ્યો હતો. દખણાદિ જમાવટ જોતાં આવવાનો વર્તારો છે. શિરવા, ગોધરા, મેરાઉ, દુર્ગાપુર, નાગલપર, ઢીંઢ, મસ્કા, ગુંદિયાળી પંથકમાંથી પણ ધરતીનો ધણી મહેરબાન હોવાની જાણકારી મળી છે. આ દરમ્યાન ઉકળાટ-બફારાથી નગરજનો અકળાયા છે. વીજ પુરવઠો ખોરવાયો છે. - માંડવી સુધરાઇ કાર્યરત : માંડવીમાં ભારે વરસાદને પગલે નગર અધ્યક્ષા હેતલબેન સોનેજી, કારોબારી ચેરપર્સન જિજ્ઞાબેન હોદાર સાથે મુખ્ય અધિકારી સાગરભાઇ રાદિયાના નેતૃત્વ હેઠળ હેડકલાર્ક કાનજી શિરોખા, પ્રવીણ સુથાર, ભૂપેન્દ્ર સલાટ, જયેશ ભેડા અને સેનિટેશન વિભાગની ટીમ રતનપુર પાટિયાથી ટોપણસર તળાવ સુધીની કેનાલની મુલાકાત લઇ આનુષંગિક કામગીરી હાથ ધરેલી હતી. વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી  ભરાઈ જાય તો તેના  નિકાલ માટે ચાર ડી-વોટરિંગ પમ્પ તૈનાત કરવામાં આવેલ છે. જે પૈકી માધવનગર તથા દીનદયાળ નગરમાં ડી-વોટરિંગ પમ્પ લગાવવામાં આવ્યા છે. લાયજાથી વિશ્રામ ગઢવીના હેવાલ અનુસાર બપોર બાદ ચાર વાગ્યા પછી મેઘરાજાએ પોતાનો અસલ રંગ દેખાડતાં એક કલાકમાં એકાદ ઇંચ પાણી પડી જતાં વોકળા જોશભેર વહી નીકળ્યા હતા અને તળાવોમાં નવા નીર આવવાનું ચાલુ થઇ ગયું છે. તોફાની વરસાદને પગલે લાયજા -ભીંસરા વચ્ચેની પાપડી જોશભેર વહી નીકળી હતી. માંડવીના નવાવાસ, દુર્ગાપર, રાયણ સહિતના ગામોમાં ગત રાત્રિના દોઢ ઇંચ બાદ આજે બપેરે સાડા ત્રણથી સાડા છમાં વધુ બે ઇંચ સાથે કુલ્લ સાડા ત્રણ ઇંચ વરસાદ વરસ્યાનું અગ્રણી ઇશ્વરભાઇ રૂડાણીએ વિગતો આપતાં જણાવી આ વરસાદથી પિયત પાકને ફાયદો થશે પણ કપાસ, દાડમના પાકને નુકસાની થવાની ભીતિ ખેડૂતોએ વ્યક્ત કરી છે. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer