અબડાસામાં મોડે મોડે પણ આનંદ ભયો...

અબડાસામાં મોડે મોડે પણ આનંદ ભયો...
સતીશ ઠક્કર દ્વારા - નલિયા (તા. અબડાસા), તા. 14 : પશ્ચિમ કચ્છમાં જેનો ભારે ડર હતો એ કાળમુખાને લગભગ લાત મારીને મેઘરાજાએ સર્વત્ર કૃપા વરસાવતાં અને સોમવારની મધરાત્રે તો માંડવી પટ્ટીને જોડતા આખા પંથક પર રમઝટ બોલાવી અઢીથી સાડા ત્રણ-ચાર ઇંચ પાણી વરસાવતાં ચોમેર આનંદ-આનંદ ભયોવાળો તાલ સર્જાયો છે. હજુ આગાહી અને માહોલ બંને વધુ વરસાદના એંધાણ આપતા હોવાથી મોડે મોડે પણ ધરતીનો ધણી રીઝયો એની વધામણીનો દોર ઠેઠ મુંબઇ સુધી ચાલુ થઇ ગયો છે. સૌરાષ્ટ્રને ધમરોળ્યા પછી ગઇ મધરાત્રે માંડવી પટ્ટીને જોડતા અબડાસાના કેટલાક ગામોમાં અઢીથી સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ થયો હતો. હવામાન ખાતાની આગાહી અહીં સાચી ઠરી હોય તેમ મેઘરાજાએ આ વિસ્તારને તૃપ્ત કર્યા હતા, જેને પગલે નદી-નાળાં ઊભરાવાની સાથે સિઝનમાં પહેલી વખતે નેસે નવાં નીર આવ્યાં હતાં. સાંધાણ ગામના યુવા અગ્રણી શૈલેશ ભાનુશાલીના જણાવ્યા મુજબ રાત્રે 12 વાગ્યાથી 3.30 વાગ્યા સુધી ત્રણેક ઇંચ જેટલો વરસાદ થતાં ગોપરાઇ, હમીરસર, પીરવાળો સહિત ગામના તમામ તળાવ-તળાવડીઓ છલકાઇ ગયા હતા. ગાજવીજના ડરામણા, કડાકા -ભડાકા અને ભારે પવન સાથે સાડા ત્રણ કલાક વરસાદ ચાલુ રહ્યો હતો. તાલુકાના ડુમરા આસપાસના ગામોમાં પણ મધરાત્રે મેઘરાજા મન મૂકી વરસ્યા હતા. ડુમરા વિસ્તાર વિકાસ સમિતિના પ્રમુખ ચેતન ગોરના જણાવ્યા મુજબ મોડી રાત્રે બે વાગ્યાથી 3.30 દરમ્યાન અઢીથી ત્રણ ઇંચ જેટલો  વરસાદ થયો હતો. ડુમરા ઉપરાંત લઠેડી, ધુવઇ, છછી, વરંડી, કોટાયા, મંજલ, કરોડિયા, રાયધણજર, ભિટારા સહિતના ગામડાંઓને પણ મેઘરાજાએ તૃપ્ત કર્યા હતા, જેને પગલે ગામડાંઓના જળાશયોમાં નવાં નીરની આવક થઇ હતી. નાની સિંચાઇના રેલડિયા મંજલ સીમમાં આવેલા નવલખા ડેમમાં પણ નવાં પાણીની આવક થઇ હતી. તાલુકાના નરેડી અને આસપાસના વિસ્તારમાં પણ બે ઇંચ વરસાદ થયો હોવાનું નરેડીના સરપંચ ચંદ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું. મંગળવારે દિવસ દરમ્યાન અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ નલિયા સહિત કેટલાક ગામડાંઓમાં ઝાપટાં સ્વરૂપે વરસાદ વરસ્યો હતો, જેના પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી હોવા ઉપરાંત માર્ગો પર પાણી વહી નીકળ્યાં હતાં. નલિયા ખાતે આજે 16 મિ.મી.  સાથે મોસમનો કુલ 255 મિ.મી. વરસાદ કન્ટ્રોલ રૂમમાં નોંધાયો હતો. તેરા આપસાસના ગામોમાં પણ આજે બપોરે અડધો ઇંચ જેટલો વરસાદ થયો હતો. તેરાના યુવા કાર્યકર ઇકબાલ લોધરાના જણાવ્યા અનુસાર 15થી 20 મિનિટ દરમ્યાન અડધા ઇંચ જેટલો વરસાદ થયો હતો. જો કે ઝરમર સ્વરૂપે લાંબો સમય ચાલુ રહ્યો હતો. આસપાસના લાખણિયા, નરાનગર, બારા, હમીરપર, નાની-મોટી  ધુફી, કાળાતળાવ, કુણાઠિયા વગેરે ગામોમાં પણ વરસાદ થયો હતો. અબડાસામાં વરસાદી આળંગ ચાલુ રહેતાં વધુ વરસાદની રાહ જોવાઇ રહી છે.- ખીરસરા (વિં.)માં ચાર ઇંચ : દરમ્યાન ખીરસરા (વિંઝાણ) ગામે ગત રાતથી આજ સવાર સુધી ચાર ઇંચ વરસાદ પડયો હતો. હાજાપર-મિયાણી વચ્ચે પાપડીનું ધોવાણ થયું છે. ખીરસરા આવતી પાપડીની લાઇનનું ધોવાણ થયાનું સરપંચ રજાક હિંગોરાએ જણાવ્યું હતું.- કોઠારામાં પણ બે ઇંચ : કોઠારાથી મનોજ સોનીના હેવાલ અનુસાર કોઠારામાં ગઇ રાત્રે અસહ્ય ગરમી અને બફારા બાદ રાત્રે 2.30 વાગ્યે શરૂ થયેલો વરસાદ આજે સવાર સુધીમાં બે ઇંચ જેટલું પાણી વરસાવી ગયો હતો. આ વરસાદની સાથે તળાવમાં નવા નીર આવ્યા હતા અને તળાવની આવ ચાલુ થઇ ગઇ હતી. આજે પણ વધુ અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો. વરંડી મોટી : અબડાસા તાલુકાના મોટી વરંડી, નાની વરંડી તથા ડુમરા ગામે 3 ઇંચ જેવો વરસાદ ગત રાત્રિએ થયો હોવાનું વરંડી મોટીના યુવાન ક્ષત્રિય અગ્રણી ચકુભા જાડેજાએ જણાવ્યું હતું. આ સાથે મોટી વરંડીની નદી બે કાંઠે વહી નીકળી હતી તેવું જણાવ્યું હતું. - લઠેડી તળાવ ઓગન્યું : આજે મોડીસાંજે ચાલુ રહેલા વરસાદથી અબડાસાની કાંઠાળ પટ્ટીને અડીને આવેલા લઠેડી ગામનું તળાવ ઓગની જતાં છેક મુંબઇ વસતા ગ્રામજનોએ ખુશી વ્યક્ત કરી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer