કોંગ્રેસ કોરોના પીડિતો માટે અંત સુધી લડશે

કોંગ્રેસ કોરોના પીડિતો માટે અંત સુધી લડશે
ભુજ, તા. 14 : ગુજરાતમાં રાજ્ય સરકારની અણઆવડતના કારણે કોરોનાની સ્થિતિ વધુ વણસી હોવાના આક્ષેપ સાથે કોરોના પીડિત પરિવારોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ છેવટ સુધી લડત ચલાવશે તેવું ભુજ ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં પ્રદેશ પ્રમુખ અમિતભાઇ ચાવડાએ જણાવ્યું હતું.કોવિડ ન્યાય યાત્રા તેમજ પક્ષના સંયોજનો સાથે સંગઠન માળખાને મજબુત બનાવવા માટે  સંવાદ કરવા આવેલા પ્રદેશ પ્રમુખે કહ્યું કે, સરકારે શરૂઆતમાં કોરોના સંક્રમણમાં આંકડાની રમત રમી સાચા આંકડા છૂપાવ્યા છે. તેમણે એવો આક્ષેપ કર્યો કે રાજ્યમાં 10,000 નહિ પણ 3 લાખ લોકોના મોત નિપજ્યા છે. હાવર્ડ યુનિ.ની રિસર્ચ ટીમના સંશોધનમાં આ હકીક્ત સામે આવી હોવાનો તેમણે ઉલ્લેખ કર્યો હતો. ડિઝાસ્ટર-એકટ તળે શિક્ષાત્મકની સાથે સંબંધિત આપત્તિગ્રસ્તોને રાહત આપવાની જોગવાઇ છે ત્યારે કોરોનાથી મૃત્યુ પામેલા દર્દીના પરિવારોને ચાર લાખની સહાય ચુકવવા, ખાનગી હોસ્પિટલમાં જેમણે સારવાર લીધી તેનું ચૂકવણું સરકાર કરી જે કોરોના વોરિયર્સ મૃત્યુ પામ્યા તેમને આર્થિક વળતર-મદદ સાથે પરિવારના એક સભ્યને સરકારી નોકરી મળે ઉપરાંત કોરોના કાળમાં કાળા બજારી સહિતના કાંડ કરનારાઓ સામે ન્યાયિક તપાસ થાય તેવી માંગ સાથે કોંગ્રેસ પક્ષે બે અઠવાડિયાથી કોવિડ ન્યાય યાત્રાનું આયોજન કર્યું છે. અત્યાર સુધી સમગ્ર રાજ્યમાં બાવીસ હજારથી વધુ પરિવારજનોએ વિવિધ માહિતીનું આદાન-પ્રદાન કર્યું છે. કોરોના પિડીત પરિવારોને સહાય મળે તેવું ફોર્મ પક્ષના કાર્યકરો ભરાવીને જે તે જિલ્લા કલેકટર મારફત રાજ્ય સરકારમાં મોકલશે. જો સરકાર આ બાબતે કોઇ નિર્ણય નહિ લે તો કોર્ટના દ્વાર ખટખટાવી સમગ્ર મુદ્દાને જનતા દરબારમાં લઇ જવાશે તેવું પ્રદેશ અધ્યક્ષે જણાવ્યું હતું. કોરોના મૃતકોનું એક વર્ચ્યુઅલ મેમોરિયલ પણ તૈયાર કરાશે.વિધાનસભાની ચૂંટણીના પડઘમ લાગી રહ્યા છે ત્યારે પક્ષના સંગઠન માળખાને બુથ સ્તર સુધી મજબુત બનાવી જિલ્લા-તાલુકા સંયોજક અને ગ્રામ્ય સ્તરે જનમિત્ર નિમી માળખાનું વિકેન્દ્રીકરણ કરાયાનું જણાવી નર્મદાના નીર હોય કે ભુજોડી ઓવરબ્રીજની વાત હોય કે કચ્છને સતત અન્યાય થતો આવ્યો છે. ત્યારે આ અન્યાયને વાચા મળે તે માટે કોંગ્રેસ પક્ષે સરકારને ઢંઢોળતો રહ્યો છે અને રહેશે એમ કહી ગુજરાતમાં કયારેય ત્રીજો પક્ષ ફાવ્યો નથી ત્યારે આમ આદમી પાર્ટીનું પરિબળ અસરકર્તા રહેશે નહિ તેવી વાત કરી હતી.ગુજરાતના મુખ્યમંત્રીને અધવચ્ચેથી રાજીનામું આપવું પડયું એ સરકારની નિષ્ફળતાનો મોટો પુરાવો છે એમ કહેતાં શ્રી ચાવડાએ પ્રશ્નને ભ્રમિત કરવા ચહેરો બદલી નવા મુખ્યમંત્રીને બેસાડયા હોવાનું કહી બાયો ડિઝલનું સૌથી મોટું કૌભાંડ કચ્છમાં આચરાતું હોવાનું અને તેમાં સત્તાપક્ષ સાથે સંકળાયેલા લોકોની સાંઠગાંઠ હોવાના આક્ષેપ કરી આ કાંડ આચરનાર સામે પગલાં ભરવા સરકારને ટકોર કરી કોંગ્રેસ આ મુદ્દે સતત જાગૃત રહેશે તેવો સધિયારો આપ્યો હતો.આરંભે જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ પ્રદેશ પ્રમુખની બે દિવસની મુલાકાતનો હેતુ સ્પષ્ટ કરી ભુજ-માધાપરમાં છ જેટલા કોરોના પિડીત પરિવારોને મળી તેમને સાંત્વના પાઠવી હોવાનું જણાવ્યું હતું.જિલ્લા મંત્રી રમેશ ડાંગર ઉપરાંત પક્ષના પ્રવક્તા ગનીભાઇ કુંભાર, ઘનશ્યામસિંહ ભાટી, દિપક ડાંગરે ઉપસ્થિત રહી પુરક વિગતો આપી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer