પરિવર્તન સંસારનો સનાતન નિયમ છે

પરિવર્તન સંસારનો સનાતન નિયમ છે
નારાયણ સરોવર (તા. લખપત), તા. 14 : જ્યાં અફાટ અરબી સમુદ્ર દેવાધિદેવ કોટેશ્વરના ચરણોમાં  માથાં પછાડે છે અને જે પવિત્ર સરોવરનો પુરાણોમાં પણ ઉલ્લેખ છે એવા પવિત્ર નારાયણ સરોવર-કોટેશ્વરની ધરા પર આયોજીત ભાગવતકથાએ  પશ્ચિમ કચ્છમાં  એક અનેરું ચેતન આણ્યું છે. આસપાસના ગામો જ નહીં પણ ગુજરાતભરમાંથી ભાવિકો આ દિવ્યધરા અને સત્સંગનો લાભ લેવા પહોંચી રહ્યા હોવાથી દેશના પશ્ચિમી ખૂણે ભારત આખું ભેગું થઇ રહ્યું હોય તેવું ભાસે છે. કથાના વ્યાસાસનેથી પ્રસિદ્ધ ભાગવતાચાર્ય રમેશભાઇ ઓઝાએ આજે ગુજરાત સરકારમાં થયેલા નેતૃત્વ પરિવર્તનને સાંકળી લઇ ભકિત, ત્યાગ અને વૈરાગ્યની વિશિષ્ટ શૈલીમાં છણાવટ કરી હતી. વિદાય લઇ?ચૂકેલા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની માનવીય સંવેદના સાથેની સેવાઓને વ્યાસપીઠે સરાહી હતી તો સાથો સાથ ભૂપેન્દ્ર પટેલને આવકારતા ઉમેર્યું હતું કે, પરિવર્તન તો સનાતન નિયમ છે. દરમ્યાન કથા પ્રારંભે વકતાએ કોટેશ્વર શિવાલયે શાત્રોકત પૂજન કર્યું હતું. પૂ. ભાઇશ્રીએ આજે ભાગવત રસથાળમાં ભકિત ત્યાગ અને વૈરાગ્યનો મર્મ વિસ્તારથી સમજાવતા કહ્યું હતું કે, મનુષ્ય કાંઇપણ મુકે તેને ત્યાગ કહેવામાં આવે છે અને આ સંસારરૂપી મોહ માયાની આપમેળે હૃદયથી જે છૂટે તેને વૈરાગ્ય કહેવાય. સાથે સાથે ઋષિમુનિઓના ઉદાહરણો ટાંકતા સમજાવ્યું હતું કે, જે હોઇએ તે જ દેખાવું, જેવા છીએ તેવા જ રહેવું જોઇએ નકલ કરવાથી મનુષ્ય કંઇ પામી શકતો નથી. ઉત્તમ જીવન જીવવાની સાત્વિક ભાવના કેળવવી જોઇએ. મનુષ્ય શરીરને ટકાવવા માટે શ્રમ કરવો જરૂરી છે. તેમ જણાવતાં પૂ. ભાઇશ્રીએ જણાવ્યું કે, શ્રમને શરીરનો ખોરાક ગણાવ્યો હતો. સાથો સાથ પરિવર્તન એ સંસારનો નિયમ છે. તેમ જણાવી મનુષ્યને  ઉત્તમ જીવન જીવવા શીખ આપી હતી. સકારાત્મકતાથી જીવન જીવવું જોઇએ. મનુષ્યનો ભાવ અને સદ્વિચારમાં મનુષ્યને ઉત્તમ બનાવે છે. રાધા અષ્ટમી હોવાથી પૂ. ભાઇશ્રીએ સૌને રાધાષ્ટમીની વધાઇ આપી હતી. બધાય તીર્થો પોતપોતામાં  ઉત્તમ છે. છતાંય ક્યાંય ન જવાય તો કચ્છમાં નારાયણ સરોવર, કોટેશ્વર તિર્થ દર્શન કરવાથી યાત્રા પૂર્ણ થાય છે. સાથે સાધુ સંતોના સાંનિધ્યથી તીર્થયાત્રાનું પુણ્ય પ્રાપ્ત થાય છે. તેમણે કથામાં નારાયણ સરોવર જાગીરના પૂર્વ અધ્યક્ષ અને પ્રકાંડ પંડિત બ્રહ્મલીન મધુસૂદન લાલજી મહારાજને પણ યાદ કર્યા હતા. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer