રવેચી મંદિરે માનવ મહેરામણ ઉમટયો

રવેચી મંદિરે માનવ મહેરામણ ઉમટયો
રાપર, તા. 14 : ભાદરવા સુદ આઠમના દિવસે આજે વાગડના પ્રસિધ્ધ યાત્રાધામ  રવેચી માતાના મંદિરે સવારથી સાંજ સુધી દર્શનાર્થે આબાલ વૃધ્ધ ઉમટી  પડયાં હતાં. કોરોના મહામારીના કારણે દર વર્ષે યોજાતો મેળો રદ થયો હતો. જો કે  લોકો ઉમટી પડતાં અઘોષિત મેળો યોજાઈ ગયો હતો.  પુર્વ સંધ્યાએ યોજાયેલા સંતવાણીના કાર્યક્રમમાં ગૌ સેવા માટે  ભંડોળ એકત્ર થયું હતું. આઠમના દિવસે  દર વર્ષે યોજાતા રવેચીના મેળાને સતત બીજા વર્ષે પણ કોરોનાનું ગ્રહણ લાગ્યું હતું. માત્ર  દર્શન જ ખુલ્લા રાખવામાં આવ્યા હતાં. રાપર તાલુકાના ગામડાઓ ઉપરાંત ભુજ, માંડવી, અંજાર , અમદાવાદ, સુરત, વલસાડ, સહીતના વિસ્તારોમાંથી વાહનો મારફત સવારથી રવેચીના મંદિરે ઉમટી પડયાં હતાં. કેટલાક શ્રધ્ધાળુઓ પગપાળા ચાલીને પણ મંદિરે દર્શન કરવા પહોંચ્યા હતાં. મંદિર પરિસરના મુખ્ય  પ્રવેશદ્વારથી મંદિર સુધી માનવમેદની નજરે પડતી હતી. સાંજ સુધીમાં હજારો દર્શનાર્થીઓએ માતાજીના દર્શન  કર્યા હતાં. લોકોનો પ્રવાહ ઉમટતા મંદિર પરિસર પાસે નાના ધંધાર્થીઓને  સારો ફાયદો થયો હતો. રાપરના અગ્રણીઓએ પણ રવેચી મંદિરના દર્શન કર્યા હતાં. આઠમની પુર્વ સંધ્યાએ સમરથસિંહ સોઢા અને બાબુભાઈ આહીરની સંતવાણી યોજાઈ હતી. જેમાં ગાયોના લાભાર્થે સારી રકમની આવક થઈ હતી. રાપર પોલીસ  મથકના કર્મચારીઓ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.  સાંજ સુધી દર્શનાર્થીઓનો પ્રવાહ ચાલુ  રહ્યો હતો. મંદિરના મહંત ગંગાગીરીજીની આગેવાની તળે કિરીટસિંહ જાડેજા, ગોડજી ભટ્ટી, હનુભા જાડેજા, રજનીકસિંહ જાડેજા, દિપુભા જાડેજા, દેવુભા જાડેજા, રવેચી યુવક મિત્ર મંડળના સભ્યોએ વ્યવસ્થા સંભાળી હતી. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer