સંયોજકો નિષ્ઠાથી કામે લાગે તો ભાજપ શાસનનો અંત

સંયોજકો નિષ્ઠાથી કામે લાગે તો ભાજપ શાસનનો અંત
ભુજ, તા. 14 : જિલ્લા-તાલુકા અને શહેરના સંયોજકો પોતાની શક્તિ બૂથ લેવલ સુધી વિસ્તારી નિષ્ઠાથી કામે લાગી જશે તો ભાજપ શાસનનો અંત નિશ્ચિત હોવાનું અહીંના ટાઉનહોલ ખાતે આયોજિત જિલ્લા સંયોજક સંવાદ કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ કાર્યકરોને સંબોધતાં જણાવ્યું હતું. તેમણે કચ્છના આગેવાનો પાસેથી સૂચનો પણ મેળવ્યા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ ગામડાઓ, શહેરો, મહોલ્લા, વોર્ડો સુધી તમામ સંયોજકો અસરકારક કામગીરી કરે તે હેતુના રાહુલ ગાંધી આદેશાનુસાર પાયલોટ પ્રોજેક્ટ અમલમાં મુક્યાં છે જેની કામગીરીની સમીક્ષા તથા અમલવારી માટે 40 જિલ્લા પંચાયત, 204 તાલુકા પંચાયત તથા 196 નગરપાલિકા વોર્ડના આગેવાનોને લક્ષમાં રાખી જનસંવાદ કાર્યક્રમ યોજ્યો હતો.જિલ્લા પ્રમુખ યજુર્વેન્દ્રસિંહ જાડેજાએ શ્રી ચાવડાનું કચ્છી પાઘ-શાલ તથા ફૂલહારથી સ્વાગત કર્યું હતું.  મુખ્ય વક્તા શ્રી ચાવડાએ ભાજપ સરકારે જે કોવિડના મૃતકોના આંકડાઓ છૂપાવ્યા તેની આકરી ઝાટકણી કાઢી હતી.ઉપરાંત તેમણે મોંઘી સારવાર, બેડની અછત, ઇન્જેક્શન, ઓક્સિજનની અછત, પ્રત્યેક મૃતક પરિવારને 4 લાખ, એક સભ્યને સરકારી નોકરી વિ. બાબતોને સંયોજકોને ગ્રાસ રૂટ લેવલ સુધી લઇ જવાની અપીલ કરી હતી.આ પ્રસંગે જિલ્લા પંચાયતના પૂર્વ વિપક્ષી નેતા વી. કે. હુંબલ, અરજણભાઇ ભુડિયા, ઇભરામભાઇ મંધરા, નલવસિંહ જાડેજા, દેશુભા જાડેજા વિ.એ પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા.કાર્યક્રમની શરૂઆતમાં ભુજ શહેર પ્રમુખ રવીન્દ્ર ત્રવાડીએ સૌને આવકાર્યા હતા. આ બેઠકમાં જિલ્લા સંયોજકો સલીમ જત, અમૃત બલદાણિયા, મંગલ કટુઆ, રામદેવસિંહ જાડેજા, મોહનલાલ પટેલ, કિશોરદાન ગઢવી, પીર મામદશા તકીશા, હનુભા વાઘેલા, દશરથસિંહ જાડેજા, આઇશુબેન સમા, મુસ્તાક હિંગોરજા, હમીદ સમા, અંજલી ગોર, ફકીરમામદ કુંભાર, ખીમજી થારૂ, ઉમર ભટ્ટી, આસીફ સુમરા, મુકેશ ગોર, દેવેન્દ્રસિંહ જાડેજા ઉપરાંત પ્રદેશ આગેવાનો આદમભાઇ ચાકી, રફીકભાઇ મારા, દિનેશ માતા વિ. હાજર રહ્યા હતા. ધર્મેન્દ્ર ગોહિલ, ઇકબાલ મંધરા પણ ઉપસ્થિત રહ્યા હતા.જિલ્લા પ્રવક્તા દીપક ડાંગર, પૂર્વ કચ્છ ઇન્ચાર્જ દિનેશ માતા, પશ્ચિમ કચ્છ ઇન્ચાર્જ અરજણ ભુડિયા, ધીરજ રૂપાણી વિ.એ જહેમત ઉઠાવી હતી. આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન પી. સી. ગઢવી, રામદેવસિંહ જાડેજા અને આભારવિધિ જિલ્લા મહામંત્રી ઇલિયાશ ઘાંચીએ કરી હતી એવું જિલ્લા પ્રવક્તા ગનીભાઇ કુંભારે જણાવ્યું હતું. 

© 2021 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer